Western Times News

Gujarati News

પંજાબમાં ભયાવહ પૂરનું સંકટઃ ૩૭ લોકોનાં મોત

ચંડીગઢ/હરિયાણા, પંજાબમાં અવરિત વરસાદ તથા ઉપરવાસમાંથી છોડવામાં આવેલા પાણીને પગલે ભયાવહ પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. પંજાબમાં ૧૯૮૮ પછીનું આ સૌથી ખતરનાક પૂર ગણવામાં આવે છે.

તંત્ર દ્વારા રાજ્યના તમામ ૨૩ જિલ્લાને પૂરગ્રસ્ત જાહેર કરાયા છે. પ્રાપ્ત વિગતો મુજબ વરસાદ અને પૂર સંલગ્ન ઘટનાઓમાં પંજાબમાં ૩૭ લોકોનાં મોત થયા છે જ્યારે ૩.૫ લાખ લોકો પ્રભાવિત થયા છે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું કે, જ્યારે દેશ પર સંકટ આવ્યું છે ત્યારે પંજાબ હંમેશા પડખે ઊભું રહ્યું છે.આજે પંજાબ પર સંકટ આવ્યું છે ત્યારે દેશે તેને મદદ કરવી જોઈએ. ફીરોઝપુરમાં પૂરની સ્થિતિનું નિરક્ષણ કર્યા બાદ સીએમ માને ઉમેર્યું કે, વિશેષ સર્વે બાદ લોકોને નુકસાનનું વળતર ચૂકવવામાં આવશે.

સતલજ, બિયાસ અને રાવિ ઉપરાંત રાજ્યમાં આવેલા તમામ નદી-નાળા છલકાઈ જતા ૧,૬૫૫ ગામોમાં જળ ત્યાં સ્થળ જોવા મળે છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર પર ભારે વરસાદથી જળબંબોળ થયા છે. દિલ્હીમાં પણ યમુના નદીના પાણી બજારો અને ઘરોમાં ઘૂસતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પંજાબમાં ભારે વરસાદને પગલે ખેતરોમાં પણ પાણી ભરાઈ જતા ૧.૪૮ લાખ હેક્ટરમાં પાક નષ્ટ થયો હોવાનું જણાયું છે. રાજ્યની તમામ શાળા, કોલેજ અને યુનિવર્સિટીઓમાં ૭ સપ્ટેમ્બર સુધી રજા જાહેર કરાઈ છે.

હરિયાણામાં પણ વરસાદ અને પૂર સંલગ્ન અલગ અલગ બનાવોમાં છ લોકોનો ભોગ લેવાયો હતો. જમ્મુ-કાશ્મીરના કાંગડીમાં મકાન ધરાશયી થતાં માતા- પુત્રીના મોત થયા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.