પુત્રવધૂ અને તેના પિયરિયાએ સાસુના નોકરીના સ્થળે જઇ મારામારી કરી

અમદાવાદ, શહેરના વસ્ત્રાલ ખાતે રહેતા યુવકને ચેન્નાઇ નોકરી મળતા તે ત્યાં જતો રહ્યો હતો પરંતુ પત્નીને સાથે લઇ ગયો ન હતો. જેથી પત્ની રિસાઇ પિયર રહેવા જતી રહી હતી. બીજી તરફ ગઇકાલે પુત્રવધૂ અને તેના પરિવારના સભ્યો ઓઢવ ખાતે સાસુના નોકરીના સ્થળે પહોંચ્યા હતા અને હોબાળો મચાવી મારામારી કરી હતી.
જેથી આ મામલે સાસુએ પુત્રવધૂ, વેવાણ સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવતા ઓઢવ પોલીસે તપાસ આદરી છે. વસ્ત્રાલ વિસ્તારમાં ૫૫ વર્ષિય કોકિલાબહેન પ્રવિણભાઇ શાહ પરિવાર સાથે રહે છે અને ઓઢવ જીઆઇડીસીમાં નોકરી કરે છે. તેમના બે દીકરા પૈકી મોટો દીકરો જયેશ ચેન્નાઇ ખાતે નોકરી કરવા ગયો છે.
પરંતુ તે તેની પત્ની સોનલને સાથે લઇ ગયો ન હોવાથી સોનલ રિસાઇને છેલ્લા દસ દિવસથી પિયર તેની માતા લતાબહેનના સાથે રહેવા જતી રહી છે. ગઇકાલે કોકિલાબહેન બપોરે પોતાની નોકરી પર હાજર હતા. ત્યારે તેમની પુત્રવધૂ સોનલ તેની માતા લતાબહેન ગણપતભાઇ તળપદા, કિરણ દિપકભાઇ નાઇ તથા દીપકભાઇ નાઇ ત્યાં આવ્યા હતા.
ત્યારબાદ તેમણે બૂમાબૂમ કરી મૂકી હતી. તેથી કોકિલાબહેને અહીંયા આવી કેમ બૂમાબૂમ કરો છો જે વાત કરવી હોય તે ઘરે આવીને કરજો. આટલું કહેતા લતાબહેન ઉશ્કેરાઇ ગયા હતા અને કહેવા લાગ્યા હતા કે, તું કેમ મારી દીકરી સોનલને પતિ સાથે મોકલતી નથી. ત્યારબાદ તેઓ ઝઘડો કરી મારામારી કરવા લાગ્યા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા.
આ દરમિયાન કોકિલાબહેનની નાની વહુ નેહા અને તેના પરિવારના સભ્યો ત્યાં આવી ગયા હતા અને તેમને છોડાવવા વચ્ચે પડ્યા હતા તથા શાંતિથી વાત કરવા કહેવા લાગ્યા હતા. જો કે, પુત્રવધૂના ઉશ્કેરાયેલા પરિવારે કોકિલાબહેનના બીજા વેવાણ પર હુમલો કરી મારા મારી કરવા લાગ્યા હતા. આ સમયે બૂમાબૂમ થતા આસપાસના લોકો આવ્યા હતા અને તેમને છોડાવ્યા હતા.
આ મામલે કોકિલાબહેને પુત્રવધૂ સોનલ, વેવાણ લતાબહેન, કિરણબહેન અને દિપકભાઇ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.SS1MS