ભાડજમાં એક્ટિવાને પીકઅપ ડાલાની ટક્કર, બે બાળકોનાં મોત

ગાંધીનગર, અમદાવાદ શહેરના સાયન્સ સિટી નજીક કલોલ તાલુકાના ભાડજ રોડ પરથી તેજ ઝડપે જઇ રહેલા પીકઅપ ડાલાએ એક્ટિવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. તેમાં એક્ટિવાસવાર માતા અને બે બાળકો ઉછળીને રોડ પર પટકાતા ત્રણેય જણાને ગંભીર ઇજાઓ થઇ હતી. તેમાં બે બાળકોના મોત થયા હતા જ્યારે માતાને ગંભીર ઇજા થઇ હતી.
અકસ્માતની આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટીની લાગણી પ્રસરી ગઇ છે. આ અંગે સાંતેજ પોલીસે પીકઅપ ડાલાના ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે.
સાંતેજ પોલીસના જણાવ્યા મુજબ બનાવની વિગતો એવી છે કે ભાડજના સુપર સિટીમાં રહેતા આરતીબેન દિનેશભાઈ પટેલ એક્ટિવા ઉપર તેમના બે સંતાન રિતિશા (ઉં-૧૦) અને જયશીલ (ઉં-૬)ને બેસાડી ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે રણછોડપુરા નજીક ગોયલ સુપરસિટી તરફથી તેજ ઝડપે ધસી આવેલા પીકઅપ ડાલાએ એક્ટિવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
તેમાં ત્રણેય જણા ઉછળીને રોડ પર પટકાયા હતાં. માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા બંને બાળકના મોત થયા હોવાનું સાંતેજ પોલીસ દ્વારા જણાવાયુ છે. જ્યારે બાળકોની માતા આરતીબેનને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ભાડજ નજીકના આ અકસ્માતના બનાવ અંગે સાંતેજ પોલીસે પીકઅપ ડાળાના ચાલક સામે ગુનો દાખલ કરવા કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માત સર્જાયા બાદ એકઠા થયેલા સ્થાનિકોએ પીકઅપ ડાલાના ડ્રાઈવરને પકડી લીધો હતો. રોષે ભરાયેલા લોકોએ પીકઅપ ડાલાના ડ્રાઈવરને પોલીસના હવાલે કર્યાે હતો. અકસ્માતમાં બે બાળકોના મોતથી સમગ્ર વિસ્તારમાં અરેરાટીની લાગણી પ્રસરી જવા પામી હતી.SS1MS