Western Times News

Gujarati News

અમદાવાદ એરપોર્ટ પરથી ઓગસ્ટ મહિનામાં ૧૦ કરોડનું કોકેન ઝડપાયું

અમદાવાદ , અમદાવાદ એરપોર્ટ પરથી માત્ર કરોડો રૂપિયાના સોનાની જ દાણચોરી થતી નથી. અમદાવાદ એરપોર્ટ પરથી ઓગસ્ટ મહિનામાં ૧૦ કરોડ રૂપિયાનું કોકેન પણ ઝડપી લેવામાં ડીઆરઆઇ સફળ રહી હતી. જુદી જુદી ત્રણ ફ્લાઇટમાં આફ્રિકાથી આવેલા કેરિયર પાસેથી ડીઆરઆઇની ટીમે ત્રણ કિલોથી વધુ કોકેન ઝડપી લીધું હતું.

આ કોકેન લેવા માટે આવેલા બે પેડલરોને જાણ થઇ કે આફ્રિકન કેરિયર ઝડપાઇ ગયા છે કે તરત જ તેઓ ભાગી ગયા હતા. આફ્રિકન યુવાનોને ખબર જ નહોતી કે તેઓ આ કોકેનની કેપ્સ્યૂલ કોના માટે લાવી રહ્યા છે.

ત્રણ લેયર બાદ મુખ્ય ખેલાડી પાસે કોકેન પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કોકેન દિલ્હી અને મુંબઇની રેવ પાર્ટી માટે લાવવામાં આવ્યું હોવાનું પણ પ્રાથામિક તપાસમાં સામે આવી રહ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર તમામ સેન્ટ્રલ એજન્સીઓની વોચ છે.

કસ્ટમ્સ અને એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા તમામ મુસાફરો પર વોચ રાખવામાં આવી રહી છે. ત્યારે જ ઓગસ્ટ મહિનામાં જુદી જુદી ત્રણ ફ્લાઇટમાં ૩ આફ્રિકન પેસેન્જર પાસેથી ડીઆરઆઇના અધિકારીઓએ ૩ કિલો કરતાં વધારે કોકેન જપ્ત કર્યું હતું.

આ પેસેન્જર કોકેનના કેરિયર હતા અને તેમણે શરીરમાં કોકેન છૂપાવ્યું હતું. પેસેન્જરોને ઝડપી લઇ તેમની સ્ક્રીનીંગ કરતા તેને એક્સરેમાં ચેક કરતાં તેમના શરીરમાં કોકેન છૂપાવ્યું હોવાની વિગતો મળતાં અધિકારીઓએ તેમને હોસ્પિટલમાં દાખલ કરી તેમને ટ્રીટમેન્ટ આપી તેમના શરીરમાંથી આ કોકેનની કેપ્સ્યૂલ કાઢી કબજે લીધી હતી.

આ કેરિયરોની પૂછફરછ કરતાં અધિકારીઓના ધ્યાને આવ્યું હતું કે આફ્રિકન કેરિયરને ખબર નહોતી કે તેઓ કોના માટે કોકેન લાવી રહ્યા છે. તેમણે આ કોકેનની કેપ્સ્યૂલ અમદાવાદ એરપોર્ટ પર તેમને રિસિવ કરવા આવેલા બે યુવાનોને આપી દેવાની હતી. જોકે તેઓ ઝડપાઇ જતાં આ પેડલરો પણ ભાગી ગયા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.