Western Times News

Gujarati News

ત્રિકોણીય ટી૨૦માં અફઘાનિસ્તાન સામે પાકિસ્તાનનો પરાજય

શારજાહ, ઇબ્રાહિમ ઝાદરાન અને સેદિકુલ્લાહ અટલની આક્મક અડધી સદી અને બોલર્સની કમાલથી અફઘાનિસ્તાને મંગળવારે અહીં રમાયેલી ત્રિકોણીય ટી૨૦ સિરીઝની મેચમાં પાકિસ્તાનને ૧૮ રનથી હરાવ્યું હતું. આ સિરીઝમાં ત્રીજી ટીમ યુનાઇટેડ આરબ અમિરાતની છે. સિરીઝમાં અત્યાર સુધીમાં રમાયેલી મેચમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાને બે બે મેચ જીતી છે.

બંનેએ પરસ્પર એક એક મેચ જીતવા ઉપરાંત એક એક વાર યુએઈની ટીમને હરાવી છે. હવે ગુરુવારે પાકિસ્તાનનો મુકાબલો યુએઈ સામે થનારો છે. અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરીને તેની ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૬૯ રનનો સ્કોર રજૂ કર્યાે હતો જેના જવાબમાં પાકિસ્તાન તેની ૨૦ ઓવરમાં નવ વિકેટે ૧૫૧ રન કરી શક્યું હતું.

અફઘાનિસ્તાનની સ્પિન ત્રિપૂટી કેપ્ટન રાશીદ ખાન, લેફ્ટ આર્મ સ્પિનર નૂર અહેમદ અને મોહમ્મદ નબી સામે પાકિસ્તાની બેટર્સ લાચાર બની ગયા હતા. તેમાં ય નૂર અહેમદ વર્તમાન ટુર્નામેન્ટમાં તેની પહેલી જ મેચ રમી રહ્યો હતો.

આ ત્રણ સ્પિનરે મળીને પાકિસ્તાનની છ વિકેટ ખેરવી દીધી હતી.પાકિસ્તાન માટે ફખર ઝમાને ૧૮ બોલમાં ૨૫ રન ફટકાર્યા હતા તો દસમા ક્રમે રમવા આવેલા હેરિસ રઉફે ૧૬ બોલમાં ચાર સિક્સર સાથે અણનમ ૩૪ રન ફટકાર્યા હતા.

જ્યારે અફઘાન ટીમ માટે ત્રણ સ્પિનર ઉપરાંત ફઝલહક ફારૂકીએ બે વિકેટ લીધી હતી.અગાઉ અફઘાન ટીમની બેટિંગ દરમિયાન ઓપનર સેદિકુલ્લાહ અટલે ૪૫ બોલમાં ૬૪ રન ફટકાર્યા હતા તો મેન ઓફ ધ મેચ જાહેર કરાયેલા ઇબ્રાહિમ ઝાદરાને એટલા જ બોલ રમીને ૬૫ રન ફટકાર્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.