વાઈબ્રન્ટ ગુજરાતનું બ્રાન્ડિંગ કરવા મુખ્યમંત્રી દિલ્હી પહોંચ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દિલ્હીમાં વડાપ્રધાન સાથે મહત્તવપૂર્ણ બેઠક
ગાંધીનગર, ગુજરાતના રાજકારણને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ગુજરાતના ઝ્રસ્ભૂપેન્દ્ર પટેલ આજે અચાનક દિલ્હીની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મહત્વપૂર્ણ બેઠક કરી. મહત્વનું છે કે, આ મુલાકાત માત્ર શિષ્ટાચાર પૂરતી નહીં પરંતુ રાજ્યના રાજકીય અને નીતિગત પરિપ્રેક્ષ્યમાં અનેક સંકેતો પણ આપી ગઈ છે. રાજ્યના રાજકારણની હાલની સ્થિતિ પ્રમાણે જોઈએ તો સંભવિત રીતે પ્રદેશ પ્રમુખની જાહેરાત થઈ શકે છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નિર્ધારિત સમય કરતા પહેલા દિલ્હીએ પહોંચી ગયા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસના પ્રમોશન માટે નવી દિલ્હીમાં અગ્રણી ઉદ્યોગોકારો, ઔદ્યોગિક સંગઠનોના પદાધિકારીઓ સાથે યોજાયેલી સંવાદ બેઠક રોડ-શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધ્યક્ષીય સંબોધન કરી રહ્યા હતા.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ટ્રેડ એન્ડ ટ્રેડિશન, કોમર્સ એન્ડ કલ્ચર, ઇન્ડસ્ટ્રી એન્ડ એન્ટરપ્રિન્યોરશિપનો સંગમ ધરાવતું વાઇબ્રન્ટ ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી, વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી, દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બની ગયું છે. તેમણે ૨૦૦૩માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની શરૂઆતનો જે વિચાર આપ્યો હતો તે રાજ્યના સર્વગ્રાહી વિકાસ માટે ગેમ ચેન્જર સાબિત થયો છે તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, નવી દિલ્હી ખાતે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાતનો અવસર ખૂબ હર્ષપૂર્ણ રહ્યો. તેઓએ વધુમાં જણાવ્યું કે, ઁસ્ મોદીના નેતૃત્વમાં ‘વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ના માધ્યમથી ગુજરાત મૂડીરોકાણકારો માટે ‘મોસ્ટ પ્રિફર્ડ ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન’ તરીકે ઊભરી આવ્યું છે.
હવે ગુજરાતના જુદા-જુદા ઝોન માટે ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સીસ’નું આયોજન કરવામાં આવશે. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી દરોમાં થયેલા ઘટાડાને આવકારતાં જણાવ્યું કે, કરોડો દેશવાસીઓના ઘરના બજેટમાં રાહત આપનાર આ પગલાં બદલ ગુજરાતના નાગરિકો વતી પીએમ મોદીને આભાર વ્યક્ત કરું છું.
ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતાં ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખની નવી નિમણૂક ગમે ત્યારે થઈ શકે છે તેવી ચર્ચાઓ તેજ બની છે. અગાઉ પણ વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ દરમ્યાન પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી, જોકે તે સમયે અંતિમ નિર્ણય જાહેર થયો નહોતો.
પરંતુ આ વખતે મુખ્યમંત્રીના અચાનક દિલ્હી પ્રવાસને લીધે રાજકીય વર્તુળોમાં નવા પ્રમુખના નામ અંગે ચર્ચા ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર ભાજપ હાઈકમાન્ડ તરફથી મંત્રીમંડળના પુનર્ગઠન માટે પણ ચર્ચા થઈ શકે છે.
આગામી ચૂંટણીની તૈયારીને ધ્યાનમાં રાખીને કેટલાક મંત્રીઓની જગ્યાએ નવા ચહેરાઓને જવાબદારી આપવામાં આવી શકે છે.