લુણાવાડાના હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં મહિસાગર નદીનું પાણી ઘૂસતા પાંચ કર્મચારી લાપતા

File Photo
કડાણા ડેમમાંથી છોડાયું હતું પાણી
(એજન્સી)અમદાવાદ, ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પાણીની સપાટી ચિંતાજનક રીતે વધી રહી છે. ખાસ કરીને રાજ્યના સૌથી મોટા ગણાતા નર્મદા, કડાણા, ઉકાઈ સહિતના ડેમોમાં જળસ્તર વધતા નીચાણ વાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
બપોર પછી કડાણા ડેમમાંથી મહિસાગર નદીમાં પાણી છોડવામાં આવતા જ લુણાવાડાના હાઈડ્રો પાવર પ્રોજેકટમાં પાણી ઘૂસી જતાં પાંચ કર્મચારીઓ લાપતા થઈ ગયા છે. આ કર્મચારીઓ ડૂબ્યા હોવાની આશંકાથી તાત્કાલિક શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સંબંધિત વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા છે.
ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે અનેક નદી-નાળા અને ડેમ છલકાયા છે, ત્યારે મહીસાગરના કડાણા ડેમમાંથી ૩ લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડતાં તાત્રોલી પાસે આવેલા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં અચાનક પાણીનો પ્રવાહ વધ્યો છે. સમગ્ર ઘટનામાં પ્લાન્ટમાં કામગીરી કરી રહેલા ૫ કર્મચારીઓ પ્લાન્ટના કૂવામાં ગૂમ હોવાનું સામે આવ્યું છે. જેને લઈને ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે.
ગુમ કર્મચારીઓના નામ
શૈલેષભાઈ શામજીભાઈ માછી (રહે. દોલતપુરા, જિ. મહીસાગર)
શૈલેષભાઈ રમણભાઈ માછી (રહે. દોલતપુરા, જિ. મહીસાગર)
ભરતભાઈ અખમાભાઈ પાદરીયા (રહે. દવાલીયા, જિ. મહીસાગર)
અરવિંદભાઈ ડામોર (રહે. ઓકલીયા)
વાયરમેન નરેશભાઈ (રહે. ગોધરા)
મળતી માહિતી મુજબ, કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, ત્યારે લુણાવાડા તાત્રોલી મહી બ્રિજ પાસે દોલતપુરા ગામ ખાતે આવેલા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં આજે ગુરુવારે (૪ સપ્ટેમ્બર) પાણીનો ધસી આવ્યું હતું. જેમાં ૫ કર્મચારીઓ પ્લાન્ટમાં ગરકાવ થયા હોવાનું જણાય છે.
હાઇડ્રો પ્રોજેક્ટમાં મહીસાગર નદીનું પાણા ઘૂસતા પાંચ યુવકો પાણીમાં ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ સ્થળ પર હાજર થઈ ગયા છે. જ્યારે ફાયર ટીમ, પોલીસ, એનડીઆરએફ સહિતની ટીમ દ્વારા હાઇડ્રો પાવર હાઉસ ખાતે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
ઉપરવાસમાંથી આવતા પાણીના પ્રવાહને ધ્યાનમાં રાખીને તેમજ ડેમનું રૂલ લેવલ જાળવવા માટે કડાણામાંથી આજે (૪ સપ્ટેમ્બર) સાંજે ૬ વાગ્યે ૩ લાખ ક્યુસેક જેટલું પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે. મહીસાગર નદીમાં પાણી છોડાતા ૧૦૬ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.