Western Times News

Gujarati News

500ની નોટો છાપવાની ફેકટરી ડીસાના આ ગામમાંથી પકડાઈ (જૂઓ વિડીયો)

પોલીસે નકલી ભારતીય ચલણી નોટો બનાવતી એક ફેક્ટરી ઝડપી પાડી

(એજન્સી)ડીસા, બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મહાદેવીયા ગામમાં એલસીબી પોલીસે નકલી ભારતીય ચલણી નોટો બનાવતી એક ફેક્ટરી ઝડપી પાડી છે. આ ગુપ્ત ઓપરેશનમાં પોલીસે કરોડો રૂપિયાની નકલી નોટો, બનાવટ માટે વપરાતા સાધનો અને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કૌભાંડને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

બનાસકાંઠા એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાંચ) ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ, પો.સ.ઇ. એસ.જે. પરમાર અને એ.એસ.આઇ. રાજેશકુમાર હરિભાઈને બાતમી મળી હતી કે મહાદેવીયા ગામમાં નકલી નોટોનું મોટું રેકેટ ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને મહાદેવીયા ગામના રાયમલસિંહ બનેસીંગ દરબારના ખેતરમાં આવેલા રહેણાંક મકાનમાં દરોડા પાડ્યા હતા.

પોલીસે મકાનના ભોંયરામાં ચાલતી આ નકલી નોટો બનાવવાની ફેક્ટરીને ઝડપી પાડી. અહીંથી પોલીસે બે મુખ્ય આરોપીઓ સંજયકુમાર ભેમજીભાઈ સોની અને કૌશિકભાઈ પ્રવીણભાઈ શ્રીમાળીને પકડી પાડ્યા, જે બંને ડીસાના ઝેરડા ગામના રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ બંને આરોપીઓ મકાન માલિક રાયમલસિંહના મેળાપીપણામાં રહીને આ ગુનાહિત પ્રવૃત્તિ ચલાવી રહ્યા હતા.

પોલીસને દરોડા દરમિયાન ૫૦૦ રૂપિયાના દરની મોટી સંખ્યામાં નકલી નોટો મળી આવી હતી. આરોપીઓ કલર પ્રિન્ટરનો ઉપયોગ કરીને આ નોટો બનાવતા હતા. પોલીસે જે મુદ્દામાલ જપ્ત કર્યો છે તેની વિગતો નીચે મુજબ છેઃ ૫૦૦ના દરની નકલી નોટોઃ અલગ-અલગ સીરીઝ નંબરની કુલ ૫૪૯૪ નકલી નોટો મળી, જેની કિંમત ૨૭,૪૭,૦૦૦ છે.

અનિયમિત આકારના પેપર પર નોટોઃ ઝેરોક્ષના કાગળો પર અનિયમિત આકારમાં કાપેલી ૫૦૦ના દરની ૨૧૯૦ નોટો મળી, જેની કિંમત ૧૦,૯૫,૦૦૦ છે. બાળકો માટે રમવા માટે વપરાતી ૫૦૦ના આકારની ૧૬૦૦ નોટો પણ મળી આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.