Western Times News

Gujarati News

કુકી સમુદાય અને સરકાર વચ્ચે સમાધાન થતાં નેશનલ હાઈવે બે વર્ષ પછી ખુલશે?

કેન્દ્ર અને મણિપુર સરકારે કુકી સમુદાય સાથે ડીલ કરી

(એજન્સી)નવી દિલ્હી, કેન્દ્ર અને મણિપુર સરકારે ગુરૂવારે (૪ સપ્ટેમ્બર, ૨૦૨૫) કુકી-ઝો કાઉન્સિલ સાથે એક નવા સમાધાન પર હસ્તાક્ષર કર્યા છે. જે હેઠળ તમામ પક્ષે રાજ્યની ક્ષેત્રીય અખંડિતતા જાળવી રાખવા માટે નેશનલ હાઈવે-૨ શરૂ કરવા સહમતિ દર્શાવી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીઓ અને કેઝેડસીના એક પ્રતિનિધિમંડળ વચ્ચે બેઠકો યોજાયા બાદ આ કરાર કરવામાં આવ્યો છે. ત્રણેય પક્ષોએ મણિપુરમાં સ્થાયી શાંતિ અને સ્થિરતા લાવવા માટે વાતચીતના માધ્યમથી સમાધાન પર ભાર મૂકવા સહમતિ વ્યક્ત કરી હતી.

ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, કેઝેડસીએ રાજ્ય માટે જીવન રેખા સમાન એનએચ-૨ પર શાંતિ જાળવા માટે કેન્દ્ર સરકાર તરફથી તૈનાત સુરક્ષાદળો સાથે સહયોગ સાધવા આશ્વાસન આપ્યું છે. મણિપુરને નાગાલેન્ડ અને પૂર્વોત્તરના અન્ય હિસ્સા સાથે જોડતી નેશનલ હાઈવે-૨ મે, ૨૦૨૩થી રાજ્યમાં ભડકી ઉઠેલી જાતિય હિંસાના કારણે બંધ કરવામાં આવ્યો હતો.

નેશનલ હાઈવેને ફરીથી શરૂ કરવાનો પ્રયાસ હિંસા પ્રભાવિત મણિપુરમાં સામાન્ય સ્થિતિ સ્થાપિત કરવાની દિશામાં મહત્ત્વનું પગલું છે. ઈમ્ફાલ અને નવી દિલ્હી, બંને સ્થળોના અધિકારીઓનુ માનવુ છે કે, નેશનલ હાઈવે ફરી શરૂ થવાથી આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો સરળતાથી મળી રહેશે.

જેનાથી વિસ્થાપિત પરિવારો અને રાહત શિબિરમાં રહેતાં નાગરિકોની મુશ્કેલીમાં ઘટાડો થશે. ગૃહ મંત્રાલય, મણિપુર સરકાર, અને કુકી નેશનલ ઓર્ગેનાઈઝેશન તથા યુનાટેડ પીપલ્સ ફ્રન્ટ (યુપીએફ)ના પ્રતિનિધિઓ વચ્ચે ગુરૂવારે નવી દિલ્હીમાં બેઠક યોજાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.