કર્મા પૂજાનું આયોજન થયું હતું તે સમયે જ TSPCના નક્સલીઓએ આતંક ફેલાવ્યો

AI Image
ઝારખંડના પલામુમાં ઉગ્રવાદીઓ સાથે ભીષણ અથડામણમાં ૨ જવાન શહીદ
(એજન્સી)રાંચી, ઝારખંડના પલામુમાં ઉગ્રવાદીઓ અને ભારતીય સૈન્ય વચ્ચે ભયાનક અથડામણ સર્જાઈ હતી. જેમાં બે જવાનો શહીદ થઇ ગયા હતા. શહીદ થનારા સૈનિકોને ઓળખ સંતમ કુમાર અને સુનીલ રામ તરીકે થઇ હતી. જ્યારે આ એન્કાઉન્ટરમાં ઈજાગ્રસ્ત થનારા જવાનની ઓળખ રોહિત કુમાર તરીકે થઈ છે. Two security personnel martyred in encounter with Naxalites in Palamu.
આ કેસની માહિતી આપતાં ડીઆઈજી નૌશાદ આલમે જણાવ્યું હતું કે, પોલીસને સૂચના મળી હતી કે આ વિસ્તારમાં કર્મા પૂજાનું આયોજન થઈ રહ્યું છે અને આ સમય દરમિયાન પ્રતિબંધિત સંગઠન ટીએસપીસીના નક્સલીઓ આતંક ફેલાવવાનો પ્રયાસ કરી શકે છે.
માહિતીના આધારે, એસપીના નેતૃત્વમાં પોલીસકર્મીઓએ પોતાને બે ટીમોમાં વહેંચી દીધા અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન, હુમલામાં બે જવાન શહીદ થયા છે.વધુ માહિતી આપતા તેમણે કહ્યું કે, જવાનો પહાડી માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા કે તરત જ છૂપાયેલા માઓવાદીઓએ અચાનક ગોળીબાર શરૂ કરી દીધો.
પોલીસે પણ વળતો જવાબ આપ્યો, પરંતુ એન્કાઉન્ટરમાં બે જવાન સંતન કુમાર મહેતા અને સુનીલ રામ શહીદ થયા હતા, આ સિવાય રોહિત કુમાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
આ ત્રણેય અગાઉ ટાઇગર મોબાઇલમાં તૈનાત હતા. ફાયરિંગમાં માઓવાદીઓની પણ જાનહાનિ થવાની શક્યતા છે, પરંતુ હજુ સુધી મૃતદેહો મળી શક્યા નથી. સમગ્ર ઘટના બાદ, આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ઘટનાની માહિતી મળતાં જ, પલામુ એસપી અને વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. શહીદ જવાનોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
શું છે કર્મા પૂજા
ઝારખંડમાં આદિવાસી સમાજ દ્વારા પરંપરાગત કર્મા પૂજા ધામધૂમપૂર્વક ઉજવાઈ. ભાદરવા મહિનાની એકાદશી તિથિએ ઉજવાતો આ તહેવાર ઝારખંડના ઓરાવન, મુંડા, હોઓ, સંથાલ સહિતના આદિવાસી સમુદાયો માટે અત્યંત પાવન માનવામાં આવે છે.
પૂજામાં પવિત્ર કરમ વૃક્ષની ડાળ લાવીને તેને સજાવવામાં આવે છે અને તેના પ્રત્યે પ્રાર્થના અર્પાય છે. આદિવાસી યુવતીઓ તથા મહિલાઓ પરિવારની સુખાકારી, ઉપજાઉ પાક અને સમૃદ્ધિ માટે કર્માદેવને પૂજે છે.
ગામડાંઓમાં પરંપરાગત ઝુમર નૃત્ય તથા ઢોલ-મંદારના તાલ પર આખી રાતભર નૃત્ય-ગાન થાય છે. લોકો અન્ન, ફળો અને હાંડીયા (ચોખાની શરાબ) જેવી ચીજોથી ભોગ અર્પે છે.
કર્મા પૂજા માત્ર ધાર્મિક વિધિ જ નહીં, પરંતુ કુદરત પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતો એક પાકોત્સવ છે, જે આદિવાસી સમાજની એકતા અને સંસ્કૃતિને વધુ મજબૂત બનાવે છે.