કમાતી મહિલા પાસેથી ઘરના ખર્ચમાં ફાળો આપવાની સાસરીયા અપેક્ષા રાખે તો તે ક્રુરતા નથીઃ હાઈકોર્ટ

કોલકાતા, કોલકાતા હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે જો કોઈ પતિ અથવા સાસરિયાઓ શિક્ષિત અને કમાતી મહિલા પાસેથી ઘરના ખર્ચમાં ફાળો આપવાની અપેક્ષા રાખે છે, તો તેને ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ ૪૯૮A હેઠળ ‘ક્રૂરતા’ ગણી શકાય નહીં.
આ આધારે, કોર્ટે ભૂસ્તરશાષાીય સર્વેક્ષણ વિભાગના કર્મચારી અને તેના માતાપિતા સામે નોંધાયેલા ફોજદારી કેસ અને SC/ST (અત્યાચાર નિવારણ) કાયદા હેઠળ નોંધાયેલા કેસને ફગાવી દીધો. આ ચુકાદો આપતી વખતે, ન્યાયાધીશ અજય કુમાર ગુપ્તાએ કહ્યું કે લગ્નજીવનનો સ્વભાવ એવો છે કે પતિ અને પત્ની બંને પાસેથી પરસ્પર આદર જાળવવા, જવાબદારીઓ વહેંચવા અને સમાજના કલ્યાણમાં યોગદાન આપવાની અપેક્ષા રાખવામાં આવે છે.
પત્ની એક શિક્ષિત અને કમાતી મહિલા છે. આવી સ્થિતિમાં, ઘરના ખર્ચમાં ફાળો આપવો, કોવિડ-૧૯ લોકડાઉન દરમિયાન ઓનલાઈન ખરીદી કરવી, કે સાસુ દ્વારા બાળકને ખવડાવવાનું કહેવું, આ બધું કોઈપણ રીતે IPC ની કલમ ૪૯૮A હેઠળ ‘ક્રૂરતા’ કહી શકાય નહીં. તેવી જ રીતે, સંયુક્ત રીતે ખરીદેલા ફ્લેટનો EMI ચૂકવવો કે પિતા બાળકને બહાર લઈ જવો એ પણ ઘરના જીવનની સામાન્ય ઘટનાઓ છે.
આ મામલો ૨૦૧૧ માં થયેલા લગ્ન સાથે સંબંધિત છે. GSI માં કામ કરતી મહિલાએ તેના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેણીએ આરોપ લગાવ્યો હતો કે તેનો પતિ અધીરો, આક્રમક, અસંવેદનશીલ અને સ્વાર્થી છે.
મહિલાએ એમ પણ કહ્યું હતું કે તેના પતિ અને સાસરિયાઓએ તેની જાતિ અને દેખાવની ટિપ્પણી કરી અને મજાક ઉડાવી. મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેના પરિવારના સભ્યોએ તેને હોમ લોન EMI ચૂકવવા દબાણ કર્યું હતું અને તેના અને બાળક માટે પૂરતું ખોરાક, કપડાં અને દવાઓ આપી ન હતી. આ કારણે, તેણીને ઓનલાઈન વસ્તુઓ ખરીદવી પડી હતી.