Western Times News

Gujarati News

ટ્રમ્પે ફરી પલટી મારીઃ જાપાન પર ૨૫થી ઘટાડી ૧૫ ટકા કર્યો ટેરિફ

નવી દિલ્હી, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે નવા અમેરિકા-જાપાન વેપાર કરારને લાગુ કરવા માટે કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે આ ‘અમેરિકા-જાપાન વેપાર સંબંધોને એક નવા યુગની શરૂઆત’ જણાવ્યું હતું.

આ આદેશમાં જાપાન પાસેથી કરવામાં આવતી તમામ આયાતો પર ૧૫ ટકા બેઝલાઇન ટેરિફ લગાવવામાં આવ્યો છે. જોકે, ઓટોમોબાઇલ અને ઓટો પાટ્‌ર્સ, એરોસ્પેસ ઉત્પાદનો, જેનેરિક દવાઓ અને ઘરેલુ સ્તર પર હાજર ન હોય તેના પ્રાકૃતિક સંસાધનોને સેક્ટર-સ્પેસિફિક છૂટ આપવામાં આવી છે.

જોકે, શરૂઆતી સમયમાં ટ્રમ્પ વહીવટી તંત્રએ જાપાન અને સાઉથ કોરિયા પર ૨૫ ટકા ટેરિફની જાહેરાત કરી હતી. વચ્ચે વેપાર કરાર પર અમેરિકા અને જાપાનની વાટાઘાટો પણ અટકી ગઈ હતી.

પરંતુ, હવે આખરે ટ્રમ્પ વહીવટી તંત્રએ ૧૫ ટકા બેઝલાઇન ટેરિફ જાપાન પર લગાવવા પર મહોર મારી દીધી છે. વ્હાઇટ હાઉસે પોતાના એક નિવેદનમાં કહ્યું કે, ‘આ કરાર હેઠળ, અમેરિકા આવતી તમામ જાપાની આયાતો પર ૧૫ ટકા બેઝલાઇન ટેરિફ લાગશે.

આ માળખું પારસ્પારિક સિદ્ધાંતો અને બંનેના રાષ્ટ્રીય હિતો પર આધારિત છે.’આ કરારની સૌથી ખાસ વિશેષતાઓમાંથી એક જાપાન દ્વારા અમેરિકામાં ૫૫૦ અબજ ડૉલરનું રોકાણ કરવાનું વચન છે, જેને અમેરિકન ઈતિહાસમાં કોઈપણ અન્ય કરારથી અલગ જણાવવામાં આવ્યું છે.

વ્હાઇટ હાઉસે કહ્યું કે, આ રોકાણથી રોજગાર પેદા થશે, મેન્યુફેક્ચરિંગનો વિસ્તાર થશે અને નેશનલ સિક્યોરિટી મજબૂત થશે. આ કરાર હેઠળ જાપાન યુએસ-મેડ કોમર્શિયલ એરક્રાફ્ટ, ડિફેન્સ ઇક્વિપમેન્ટ અને ચોખા, મકાઇ, સોયાબીન, ઉર્વરક અને બાયોએથેનોલ સહિત અબજો ડોલરની કિંમતના કૃષિ ઉત્પાદનો ખરીદવા માટે પ્રતિબદ્ધ છે.

જાપાને ન્યૂનતમ ઍક્સેસ યોજના હેઠળ ચોખાની આયાતમાં ૭૫ ટકાનો વધારો કરવા સંમતિ આપી છે, જેનાથી જાપાનમાં યુએસ કૃષિ નિકાસ વાર્ષિક આશરે ૮ બિલિયન ડોલર સુધી વધી જશે.

આદેશમાં જણાવાયું કે, આ કરાર ‘અમેરિકન ઉત્પાદનો માટે સમાન તક પૂરી પાડે છે, યુએસ રાષ્ટ્રીય સુરક્ષા જરૂરિયાતોને પૂર્ણ કરે છે, યુએસ નિકાસ અને રોકાણ-આધારિત ઉત્પાદનનો વિસ્તાર કરે છે અને જાપાન સાથે વેપાર ખાધ ઘટાડવામાં મદદ કરે છે.’

જાપાની વાટાઘાટકાર અકાઝાવા રયોસેઇ આ અઠવાડિયે વોશિંગ્ટનમાં બીજા રાઉન્ડની વાટાઘાટો માટે હતા જ્યારે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.