ડીસાના મહાદેવિયા ગામમાંથી નકલી ચલણી નોટો છાપતી ફેક્ટરી ઝડપાઈ

પાલનપુર, બનાસકાંઠાના ડીસા તાલુકાના મહાદેવિયા ગામેથી એલસીબીએ મોડી રાત્રે એક મોટી કાર્યવાહી હાથ ધરીને ડુપ્લિકેટ ભારતીય ચલણી નોટો છાપતી ફેક્ટરીનો પર્દાફાશ કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. એલસીબીએ રૂ.૩૯ લાખની કિંમતની ૫૦૦ રૂપિયાની નકલી નોટો જપ્ત કરી કુલ ત્રણ જણા વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મહાદેવિયા ગામે ડુપ્લિકેટ નોટો બનાવવામાં આવતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે ગુરુવારની મોડી રાત્રે એલસીબીની ટીમે ગામમાં દરોડો પાડ્યો હતો તેમજ દરોડા દરમિયાન ઘરમાંથી પોલીસે રૂ.૫૦૦ની ડુપ્લિકેટ નોટ છાપતા બે જણાને રંગેહાથ ઝડપી લીધા હતા. તેમજ ફરાર માલિકને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.
બનાસકાંઠા એલસીબી પોલીસને બાતમી મળતાં પોલીસે રાત્રિના સમયે જ્યાં ડુપ્લિકેટ નોટો છપાતી હતી તે રાયમલસિંહની ઓરડીમાં રેડ કરી ત્યાં ડુપ્લિકેટ નોટો છાપતા સમગ્ર ઘટનાના માસ્ટર માઇન્ડ સંજય સોની તેમજ કૌશિક શ્રીમાળીને ઝડપી પાડ્યા હતા.
બંનેની પ્રાથમિક પૂછપરછ કરતાં તેમને નકલી નોટો છાપતા હોવાનું સ્વીકાર્યું હતું. જેથી પોલીસે ઘટનાસ્થળેથી રૂ. ૩૯ લાખની કિંમતની રૂ. ૫૦૦ ના દરની ડુપ્લીકેટ નોટો, નોટો પ્રિન્ટ કરવાના પ્રિન્ટર, કટિંગ મશીન સહિત કબજે લઈ પકડાયેલા બે જણા સહિત ફરાર રાયમલસિંહ મળી ત્રણ જણા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
જિલ્લા પોલીસવડાએ જણાવ્યું કે, ડીસાના મહાદેવિયા ગામે ડુપ્લિકેટ રૂ. ૫૦૦ની નોટો છપાતી હોવાની બાતમીના આધારે એલસીબીએ રેડ કરી રૂ. ૩૯ લાખની ૫૦૦ રૂપિયાના દરની નોટો જપ્ત કરી હતી.જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે, ડુપ્લિકેટ નોટોના ગુનેગારોમાંથી રાયમલસિંહ ઉપર અગાઉ ૧૬ જેટલા ખંડણી, મારામારી, પ્રોહિબિશન, ચીટિંગ સહિત પાસા પણ થયેલ છે.
પાસામાંથી થોડા દિવસ પહેલાં જ બહાર આવ્યો છે અને ફરીથી એના ઉપર ગુનો નોંધાયો છે. જ્યારે આ ડુપ્લિકેટ નોટો છાપવાનું પ્રાથમિક દૃષ્ટિએ માસ્ટર માઇન્ડ જણાતો સંજય સોની પણ અલગ અલગ લૂંટ, ચિટિંગ જેવા ૫ ગુનાઓમાં સંડોવાયેલો છે.