Western Times News

Gujarati News

ઉત્તમ કન્યા શાળાના નિર્માણ થકી કન્યા કેળવણી ક્ષેત્રે ૨૩ વર્ષોની મહેનત પોંખાશે

જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્યા શ્રી જાગૃતિબેન પટેલને રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરાશે

નવીન શિક્ષણ પ્રકલ્પો થકી વિદ્યાર્થીઓમાં શિક્ષણ સાથે લીડરશીપ અને સમાજસેવાના ગુણો ખીલવવા જાગૃતિબેન સતત પ્રયાસરત

આલેખન :- મિનેશ પટેલ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ૫મી સપ્ટેમ્બરના રોજ શિક્ષણ ક્ષેત્રે અનોખું યોગદાન આપનારા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનવામાં આવે છે. આ વર્ષે પણ અમદાવાદના ટાગોર હોલ ખાતે યોજાનારા રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહમાં રાજ્યભરના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવશે. રાજ્યભરમાંથી આ સન્માન માટે પસંદગી પામેલા શિક્ષકોમાં અમદાવાદની જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્યા શ્રી જાગૃતિબેન પટેલનો પણ સમાવેશ થાય છે.

છેલ્લા ૨૩ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્યા શ્રી જાગૃતિબેન પટેલે કન્યા કેળવણી ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. વિદ્યાર્થીઓમાં સમાજસેવા અને લીડરશીપના ગુણો ખીલવવા જાગૃતિબેને અનેકવિધ નવીન શિક્ષણ પ્રકલ્પો અને પહેલોની શરૂઆત કરાવી છે. રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક શિક્ષણ ક્ષેત્રે જાગૃતિબેનના કર્મયોગ અને સમર્પણને સન્માનિત કરશે.

કન્યા શિક્ષણમાં જાગૃતિબેનનું યોગદાન

જાગૃતિબેને યોગ્ય આયોજન અને દિશાસૂચક પ્રયત્નો થકી જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલને એક ઉત્તમ કન્યા શાળા તરીકે સ્થાપિત કરી.

જાગૃતિબેનના નેતૃત્વમાં શાળાએ શૈક્ષણિક ઉત્તમતાને નવી ઉંચાઈએ પહોંચાડી છે. જેના પરિણામે વર્ષ ૨૦૧૨-૧૩, ૨૦૧૮-૧૯ અને ૨૦૨૨-૨૩માં શાળાને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શાળાનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. શાળાનું બોર્ડ પરિણામ સતતપણે ૯૦%થી વધુ રહે છે.

વિજ્ઞાન, ટેક્નોલોજી અને અંગ્રેજી ક્ષેત્રે વિદ્યાર્થીઓનો રસ કેળવવા શરૂ કરાવ્યા સીમાચિહ્નરૂપ પ્રકલ્પો

ડિજિટલાઇઝેશન અને ટેકનોલોજીના આધુનિક સમયમાં બાળકોને પરંપરાગત શિક્ષણની સાથોસાથ ટેક્નોલોજી અને ઈનોવેશન આધારિત શિક્ષણ મળી રહે તથા વિદ્યાર્થીકાળથી જ તેઓ રિસર્ચ ક્ષેત્રે આગળ વધે અને પ્રયોગો થકી જિજ્ઞાસાવૃત્તિને સંતોષતા થાય તે બાબતને જાગૃતિબેને હંમેશા પ્રાધાન્ય આપ્યું છે.

શાળામાં કેન્દ્ર સરકારની સહાયથી વર્ષ ૨૦૧૮થી અટલ ટીંકરીંગ લેબ(ATL) લેબ કાર્યરત છે. અટલ લેબ દ્વારા શરૂ થયેલી વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓના પરિણામે વર્ષ ૨૦૨૧-૨૨માં આંતરરાષ્ટ્રીય ઓનલાઇન સ્પર્ધા એવી Codeavour સ્પર્ધામાં ૬૦,૦૦૦થી વધુ ટીમોમાંથી સ્માર્ટ પાર્કિંગ પ્રોજેક્ટ પર આધારિત કૃતિ રજૂઆત કરનાર શાળાના બે વિદ્યાર્થીઓની ટીમે ૧૪મું સ્થાન મેળવ્યું હતું, જે એક ગૌરવપૂર્ણ સિદ્ધિ છે.

બાળકોમાં અંગ્રેજી ભાષાનો પાયો મજબૂત કરવા અને બાળકોને અંગ્રેજી ભાષાની યોગ્ય તાલીમ આપવાના ઉદ્દેશ સાથે જાગૃતિબેનના માર્ગદર્શનમાં પ્રથમ એન.જી.ઓ(PRATHAM N.G.O INDIA) અને યુ.એસ.એમ્બેસીના સંયુક્ત ઉપક્રમે શાળામાં ઇંગ્લીશ એક્સેસ માઈક્રોસ્કોલરશીપ પ્રોગ્રામ ૨૦૨૨-૨૪(English Access Microscholarship Program 2022-24) શરૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના ૨૫ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક અંગ્રેજી શિક્ષણ અને નેતૃત્વ તાલીમ આપવામાં આવી હતી. U.S એમ્બેસી પ્રોજેક્ટ હેઠળ આ વર્ગો N.G.O. દ્વારા ચલાવવામાં આવ્યા હતા. પ્રવેશ પરીક્ષા દ્વારા ધોરણ ૮ના ૨૫ વિદ્યાર્થીઓની આ તાલીમ માટે પસંદગી કરવામાં આવી હતી. બે વર્ષ દરમિયાન ૩૬૦ કલાક ચાલેલા તદ્દન નિ:શુલ્ક તાલીમ કાર્યક્રમમાં એક અઠવાડિયામાં ૫ કલાક શૈક્ષણિક કાર્ય કરાવવામાં આવ્યું હતું.

જાગૃતિબેને વિદ્યાર્થીઓને ઈત્તર પ્રવૃત્તિઓમાં સહભાગી બનાવીને તેમને સમાજસેવા સાથે જોડ્યા

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સૂર્યોદય અંતર્ગત શાળામાં ઇન્ટરેક્ટ ક્લબ ઓફ જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કૂલ કાર્યરત છે. તેના દ્વારા વિદ્યાર્થીઓમાં લીડરશીપ અને સમાજસેવાના ગુણો વિકસે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૩માં જાગૃતિબેન દ્વારા રૂ.૧૦૦૦ ડોલર P.H.F ફંડમાં રોટરી ક્લબમાં આપવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીઓમાં દેશ પ્રેમ અને આઝાદીની ભાવના જાગૃત રહે તથા વિદ્યાર્થીઓ દેશની સરહદ પર લડી રહેલા સૈનિકોના અમૂલ્ય યોગદાનને સમજે અને તેને મૂલવે તે હેતુસર જાગૃતિબેનના પ્રોત્સાહન થકી શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫થી શહીદોના પરિવારોને મદદરૂપ થવા શાળામાં કાયમી ‘સોલ્જર વેલ્ફેર ફંડ બોક્સ’ મૂકવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ પોતાના જન્મદિવસ અને પરિવારના શુભ દિવસે ખુશી કવર બોક્સમાં મૂકે છે. એકત્ર થયેલો ફંડ સૈનિક કલ્યાણ નિધિ જિલ્લા કક્ષાએ જમા કરાવવામાં આવે છે. વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ.૧,૫૫,૦૦૦ ભંડોળ જમા કરાવવામાં આવ્યું છે. એ જ રીતે વર્ષ ૨૦૧૮-૧૯માં શાળા તરફથી સૈનિક ફાળામાં રૂપિયા ૬,૫૧,૦૦૦ ફાળો આપવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીઓને સેવા ભાવનું મહત્વ સમજાવવાના ઉદ્દેશ સાથે વર્ષ ૨૦૨૪માં એક નવીન પહેલના ભાગરૂપે વિદ્યાર્થીઓ દ્વારા વણવપરાયેલી દવાઓનું કલેક્શન કરીને રૂ. ૨,૫૧,૦૦૦ની દવાઓ નિલકંઠ મહાદેવ ટ્રસ્ટને આપવામાં આવી.

વધુમાં, વિદ્યાર્થીઓ રાષ્ટ્રભાવના અને અનુશાસનના પાઠ શીખે તે હેતુસર શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬થી શાળામાં NCC જુનિયર યુનિટની શરૂઆત કરવામાં આવી છે.

જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલની ૧૫૫૧ વિદ્યાર્થીનીઓ દ્વારા ઘાટલોડિયા વિસ્તારમાં ૧૫૫૧ ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથેની તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ જ રીતે વિદ્યાર્થીઓમાં ધર્મ પરાયણતા વિકસે અને સંસ્કારનું સિંચન થાય તે હેતુસર રામ મંદિર પ્રતિષ્ઠાના બે દિવસ પહેલા શાળા દ્વારા શ્રીરામ સ્વાગત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ અને વાલીઓ જોડાયા હતા.

આમ જાગૃતિબેનના માર્ગદર્શનમાં નવીન પહેલો દ્વારા હંમેશા વિદ્યાર્થીઓને સમાજને કંઈક પરત આપવા અને સમાજસેવા થકી સમાજ સુધારણા ક્ષેત્રે યોગદાન આપવા સતત પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. સાથે જ, વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના, પર્યાવરણ સંરક્ષણ, પબ્લિક સ્પીકિંગ અને લીડરશીપ સ્કીલ વિકસે તે બાબતે પણ જાગૃતિબેનના માર્ગદર્શનમાં શાળાના શિક્ષકગણ દ્વારા સતત તત્પરતા દાખવવામાં આવી છે.

વિવિધ ક્ષેત્રે યોગદાન બદલ જાગૃતિબેન અને તેમની શાળાને મળેલા સન્માન/પારિતોષિક

  • સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૪ માસમાં જાહેર કરવામાં આવેલા સ્વચ્છ વોર્ડ રેન્કિંગ અંતર્ગત શાળાઓની કેટેગરીમાં જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા પ્રથમ નંબર પ્રાપ્ત કરવામાં આવ્યો હતો.
  • મે-૨૦૨૫માં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે જાગૃતિબેનને ‘યશ ગાથા ગુજરાતની‘ એવોર્ડ એનાયત થયો હતો.
  • કમિશ્નરશ્રી યુવક સેવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર-ગુજરાત રાજ્યના અર્થિક સહયોગથી ૮મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે શ્રી જાગૃતિબેનને અહલ્યાબાઈ એવોર્ડ ૨૦૨૫થી સન્માનિત કરવામાં આવ્યા.
  • વર્ષ ૨૦૧૮માં C.G દ્વારા યોજાયેલ કેન્સર અવેરનેસ ઇન્ટર કોમ્પિટિશનમાં શાળાને પ્રથમ ક્રમે પુરસ્કાર એનાયત થયો હતો.
  • S.C અને H.S.C માં કન્યાઓના 100% પરિણામ બદલ વર્ષ – ૨૦૧૩માં શાળાને રૂપિયા 10,000 પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
  • વર્ષ ૨૦૦૯માં C.E.R.T તરફથી શાળાને ઉત્તમ વ્યવસાયલક્ષી પ્રવાહ એવોર્ડ પ્રાપ્ત થયો

જાગૃતિબેનના નેતૃત્વ અને માર્ગદર્શનમાં શિક્ષણ પ્રાપ્ત કરીને શાળાના વિદ્યાર્થીઓ શૈક્ષણિક, તબીબી, ઈજનેરી, ન્યાયિક અને ઔદ્યોગિક ક્ષેત્રે ગૌરવપૂર્ણ ફરજ બજાવી રહ્યા છે. રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક થકી વ્યક્તિગત અને સંસ્થાકીય રીતે જાગૃતિબેનનું અમૂલ્ય યોગદાન મૂલવવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.