AI તાલીમ આપી શકે, પણ વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન તો શિક્ષક જ કરી શકે: શિક્ષણમંત્રી

- વિદ્યાર્થીઓમાં સ્વદેશી અને રાષ્ટ્ર પ્રથમનો ભાવ કેળવી, વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતના વિઝનને શિક્ષક સમુદાય સાકાર કરે
- આજીવન શિક્ષક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસે શ્રેષ્ઠ શિક્ષક સન્માન એ ‘રાઈટ જોબ એટ રાઈટ ટાઈમ’
- જીવન ઘડતરમાં માતા–પિતા પછી શિક્ષકનું યોગદાન મહત્ત્વનું, એમાં લોહીનો નહીં, પણ વાત્સલ્યનો સંબંધ હોય છે
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યના ૩૦ શિક્ષકોને ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક‘ અર્પણ: પાંચ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત
અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત રાજ્યકક્ષાના શિક્ષક પારિતોષિક સમારોહમાં શિક્ષકોને સંબોધન કરતાં વિદ્યાર્થીઓમાં બાળપણથી જ સ્વદેશીના સંસ્કારોનું સિંચન કરીને આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાકાર કરવા માટે વિદ્યાર્થીઓના ખરા પથદર્શક બનવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે આજનું બાળક આવતીકાલનો નાગરિક છે. ત્યારે તેમનામાં આજથી જ સ્વદેશી અને રાષ્ટ્ર પ્રથમનો ભાવ કેળવાય તે જવાબદારી શિક્ષકોએ નિભાવવાની છે.
આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના ૩૦ શિક્ષકોનું ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’થી સન્માન કરાયું હતું અને પાંચ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ પ્રતીકરૂપે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીની વાત દોહરાવતાં કહ્યું કે માતા-પિતા પછી શિક્ષકો જ બાળમાનસ પર ઊંડો પ્રભાવ પાડે છે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે લોહીનો નહીં પણ વાત્સલ્યનો સંબંધ છે. માતા-પિતા પછી શિક્ષક જ બાળમાનસ પર સૌથી વધુ અસર કરે છે. ત્યારે ભાવિ પેઢીનું ઘડતર કરી, વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા સૌ શિક્ષકોને અપીલ કરી હતી.
શ્રી પટેલે કહ્યું કે આપણા જીવનમાં કોઈ પણ કામને નાનું ન સમજીએ, પરંતુ જે કાર્ય કરવાનું સૌભાગ્ય આપણને મળ્યું હોય, એ સારી રીતે નિભાવીએ તે જ સાચું શિક્ષણકાર્ય છે. તેમણે આજીવન શિક્ષક ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની ૧૩૭મી જન્મજયંતી પ્રસંગે પારિતોષિક મેળવનારા સૌ શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી, આજના દિવસે શ્રેષ્ઠ શિક્ષક સન્માન એ ‘રાઈટ જોબ એટ રાઈટ ટાઈમ’ ગણાવી કહ્યું કે કોઈ પણ સમાજનો મજબૂત પાયો શિક્ષણ જ છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભાર વિનાના ભણતરને પ્રોત્સાહન આપી, માતા-પિતાના આર્થિક ભારને પણ હળવો કર્યો છે. તેમણે GST ના સુધાર માટે વડાપ્રધાનશ્રી અને કેન્દ્રીય નાણામંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે હજી બે દિવસ પહેલાં જ દેશમાં Next Gen GSTના સુધારાનું ઐતિહાસિક કદમ ભરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક સુધારામાં પણ તેમણે શિક્ષણ ક્ષેત્રનું ખાસ ધ્યાન રાખ્યું છે. જેનાથી શૈક્ષણિક ચીજવસ્તુઓના ભાવ પણ ઘટશે.
મુખ્યમંત્રીશ્રીએ આચાર્ય ચાણક્યના સૂત્રને યાદ કરી શિક્ષકની મહત્તા વિશે કહ્યું કે ગુરુ ભગવાનનાં પણ દર્શન કરાવી શકે છે. પ્રાચીનકાળથી ભારતમાં જ્ઞાનનાં દર્શન કરાવનાર આ ગુરુઓ જ છે. તેમનું વિદ્યાર્થીઓ પ્રત્યેનું સમર્પણ જ્ઞાન પરંપરા અને મહાન બનાવે છે. તેમણે સ્વામી વિવેકાનંદને યાદ કરી કહ્યું કે, શિક્ષણ વ્યક્તિને ચારિત્ર્યવાન બનાવે છે. શિક્ષકની સકારાત્મકતા સૌથી મોટી મૂડી છે.
મુખ્યમંત્રીશ્રીએ નવી શિક્ષણનીતિ, દીકરીઓ માટે ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી’ જેવી યોજનાઓ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની વાત કરી તેનો લાભ લેવા તેમજ વિકસિત ભારત @૨૦૪૭ના વડાપ્રધાનશ્રીના સ્વપ્નમાં સૌને સાથે મળી જોડાઈ જવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે ભગવાન શ્રી કૃષ્ણ, આચાર્ય ચાણક્ય, વિનોબા ભાવે તથા કાકાસાહેબ કાલેલકરના ઉદાહરણ આપીને જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિના વિકાસમાં ગુરુઓનું પ્રદાન મહત્ત્વનું રહ્યું છે. વિદ્યાર્થીકેન્દ્રી, સમાજકેન્દ્રી લક્ષ્ય રાખીને અથાક પરિશ્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ચારિત્ર્ય ઘડતરનું કાર્ય કરનારા શિક્ષકોને તેમણે બિરદાવ્યા હતા. વધુમાં, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ દ્વારા સમગ્ર રાજ્યની પણ સારી છબિ ઉપસાવવા માટે તેમણે શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.
આ તકે મંત્રીશ્રીએ શિક્ષણજગતના નોબેલ પારિતોષિક સમાન ગ્લોબલ ટીચર પ્રાઇઝ મેળવનારા મહારાષ્ટ્રના પરિતેવાડી ગામના શિક્ષક રણજીતસિંહ દિસાલેનું અનુકરણીય ઉદાહરણ પણ આપ્યું હતું.
શિક્ષણનાં માધ્યમોમાં આવેલાં પરિવર્તન વિશે વાત કરતાં શ્રી ડિંડોરે કહ્યું કે આજે આધુનિક ટેક્નોલોજી અને AI કે રોબોટનો ઉપયોગ કરીને શાળામાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, પરંતુ વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન તો શિક્ષકો જ કરી શકે છે. એ દૃષ્ટિએ શિક્ષકની ભૂમિકા કાયમી અને જિવંત છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે આજે રાજ્યસ્તરે પારિતોષિક મેળવનારા ૩૦ શિક્ષકો તેમજ પાંચ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ જ પ્રકારે, જિલ્લા કક્ષાએ ૯૪ અને તાલુકા કક્ષાએ ૧૫૩ શિક્ષકોને પણ સ્થાનિક સ્તરે સન્માનિત થવા બદલ રાજ્ય સરકાર તરફથી શિક્ષણમંત્રીશ્રીએ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.
આ તકે શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ ‘અમારા શિક્ષક અમારા માર્ગદર્શક’ શોર્ટ ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અમદાવાદ મહાનગરપાલિકાનાં મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ધારાસભ્યશ્રી બાબુભાઇ પટેલ, શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી કૌશિક જૈન, શ્રી દિનેશ કુશવાહ, સ્ટે. કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, શિક્ષણ વિભાગના અગ્રસચિવશ્રી મુકેશ કુમાર, શિક્ષણ નિયામકશ્રી એમ.આઈ. જોષી સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ-પદાધિકારીઓ તથા બહોળી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.