રાજ્યભરમાં 197 સરકારી પુસ્તકાલયો કાર્યરત, નવા 71 સરકારી પુસ્તકાલયોના નિર્માણને મંજૂરી

પ્રતિકાત્મક
6 સપ્ટેમ્બર: રાષ્ટ્રીય પુસ્તક વાંચો દિવસ
રાજ્યના મધ્યસ્થ પુસ્તકાલયો ખાતે પ્રતિદિન 500થી વધુ વાચકો જ્યારે જિલ્લા પુસ્તકાલયો ખાતે પ્રતિદિન 150થી વધુ વાચકો લે છે વાંચનનો લાભ
Ahmedabad, ગુજરાતના નાગરિકો નિયમિત વાંચન માટે પ્રેરાય તેવા ઉદ્દેશથી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના પ્રવર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2010માં ‘વાંચે ગુજરાત’ અભિયાન ચલાવ્યું હતું. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ગુજરાતના તમામ પુસ્તકાલયોને ગ્રંથથી સમૃદ્ધ બનાવવાનું આયોજન કર્યું હતું. પુસ્તક વાંચનના મહત્વને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર રાજ્યભરમાં સરકારી પુસ્તકાલયોની સંખ્યા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
ગત વર્ષે રાજ્યના 21 જિલ્લાઓના 50 તાલુકાઓમાં તેમજ 7 આદિજાતિ જિલ્લા 14 તાલુકાઓમાં મળીને તાલુકા સ્તરે કુલ 64 સરકારી પુસ્તકાલયો શરૂ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો. આ 64માંથી 53 સરકારી પુસ્તકાલયો કાર્યરત થઈ ચૂક્યા છે, અને 11નું કામ પ્રગતિમાં છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 197 સરકારી પુસ્તકાલયો કાર્યરત છે, અને આ વર્ષે તાલુકા સ્તરે નવા 71 સરકારી પુસ્તકાલયોના નિર્માણને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. એ પછી રાજ્યના તમામ તાલુકાઓમાં સરકારી પુસ્તકાલયો કાર્યરત થઈ જશે.
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે 6 સપ્ટેમ્બરનો દિવસ ‘નેશનલ રીડ અ બુક ડે’ એટલે કે ‘રાષ્ટ્રીય પુસ્તક વાંચો દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી દરેક વ્યક્તિને પુસ્તક વાંચનનો આનંદ માણવા માટે તેમના દિવસમાંથી સમય કાઢવા માટે પ્રેરિત કરે છે. આ દિવસને ઊજવવાનો ઉદ્દેશ દરેક લોકો વાંચનની પ્રવૃત્તિમાં રસ લેતા થાય તે માટે તેમને પ્રોત્સાહિત કરવાનો છે, જેથી તેઓ વાંચન પ્રવૃત્તિને કેળવી શકે અને વાંચનનો આનંદ લઇ શકે.
રાજ્યમાં 33 જિલ્લા પુસ્તકાલયો અને 150 તાલુકા પુસ્તકાલયો
રાજ્યમાં કુલ 197 સરકારી પુસ્તકાલયો કાર્યરત છે, જેમાં 33 જિલ્લા પુસ્તકાલયો અને 150 તાલુકા પુસ્તકાલયો સહિત મધ્યસ્ત પુસ્તકાલયો, ફરતા પુસ્તકાલયો, રાજ્ય કેન્દ્રીય અનામત ગ્રંથ ભંડાર, સ્ટેટ આર્ટ લાયબ્રેરી અને મહિલા ગ્રંથાલયોનો પણ સમાવેશ થાય છે.
મધ્યસ્થ પુસ્તકાલયો ખાતે પ્રતિદિન 500થી વધુ વાચકો જ્યારે જિલ્લા પુસ્તકાલયો ખાતે પ્રતિદિન 150થી વધુ વાચકો
રાજ્યભરમાં સ્થિત સરકારી પુસ્તકાલયો નાગરિકોને વાંચન માટે પ્રેરિત કરે છે. રાજ્યના મધ્યસ્થ પુસ્તકાલયો ખાતે પ્રતિદિન 500થી વધુ નાગરિકો વાંચનનો લાભ લઇ રહ્યા છે, જ્યારે જિલ્લા પુસ્તકાલયો ખાતે પ્રતિદિન 150થી વધુ વાંચકો વાંચનનો લાભ લઇ રહ્યા છે. રાજ્યના જે જિલ્લા પુસ્તકાલયો ખાતે વાંચનની સુવિધા ઉપલબ્ધ છે, ત્યાં પ્રતિદિન 250થી વધુ વાચકો વાંચનનો લાભ લઇ રહ્યા છે, અને તાલુકા પુસ્તકાલયો ખાતે પણ 100થી વધુ વાચકો પ્રતિદિન વાંચનનો લાભ મેળવી રહ્યા છે.
આદિજાતિ સમુદાયો પણ મેળવી રહ્યા છે વાંચનનો લાભ
રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં રહેતા આદિવાસી સમુદાયોના લોકોમાં વાંચન પ્રત્યે રસ જાગૃત થાય અને તેઓ વાંચન માટે પ્રેરાય તેવા ઉદ્દેશ્યથી રાજ્યના તમામ આદિવાસી તાલુકાઓમાં પણ પુસ્તકાલયો કાર્યરત કરવામાં આવ્યા છે. રાજ્યના 7 આદિજાતિ જિલ્લાઓના 14 તાલુકાઓમાં પુસ્તકાલયો શરૂ કરવામાં આવ્યા છે, જેના થકી આદિજાતિ સમુદાયને પણ વાંચન સેવાનો લાભ મળી રહ્યો છે.