રૂ.૨૨૦૦ કરોડના ક્રિકેટ સટ્ટા કેસમાં હર્ષિત જૈન કરી શકે છે નવા ખુલાસાઃ દુબઈથી ધરપકડ

(એજન્સી)અમદાવાદ, ગુજરાતના સૌથી મોટા ૨૨૦૦ કરોડથી વધુનો ક્રિકેટ સટ્ટાકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલને મોટી સફળતા મળી છે. એસએમસીની ટીમે આ સટ્ટાકાંડના મુખ્ય સૂત્રધાર હર્ષિત જૈનને દુબઈથી પકડી પાડ્યો છે. એસએમસી દ્વારા હર્ષિત જૈન સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી, ત્યાર બાદ દુબઈ પોલીસ હર્ષિતને લોકેટ કરી લીધો અને સ્ટેટ મોનિટરિંગ સેલ સાથે સંકલન સાધી તેને ડિપોર્ટ કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, આરોપી છેલ્લાં એક વર્ષથી ફરાર હતો. જોકે, હવે દુબઈથી તેની ધરપકડ કરવામાં આવી છે. હર્ષિતની ઓફિસમાંથી ૨૩૦૦ કરોડનો સટ્ટો પણ ઝડપાયો છે. હવે આ કેસમાં ૩૫થી વધુ આરોપીઓ ઝડપાઇ ચુક્યા છે. હર્ષિતના પકડાયા બાદ હવે સકંજો સૌરભ અને અમિત મજેઠિયા સુધી પહોંચશે. આ સહિત અન્ય બુકીઓને પણ પકડવામાં આવશે. વિદેશ ગયેલા બુકીઓને પકડવા માટે પણ કાર્યવાહી હાથ ધરાવમાં આવી છે.
મળતી માહિતી મુજબ, ૨૮ માર્ચ, ૨૦૨૩ના દિવસે ગુજરાતના ઈતિહાસનો સૌથી મોટો ૨૨૦૦ કરોડના ક્રિકેટ સટ્ટાનો અમદાવાદ પીસીબીએ પર્દાફાશ કર્યો હતો. ત્યારે તત્કાલીન પોલીસ ઇન્સપેક્ટર તરલ ભટ્ટને માહિતી મળી હતી કે, કેટલીક કંપનીઓની અંદર કરોડોના ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે અને આ તમામ પૈસા સામાન્ય વ્યક્તિના એકાઉન્ટમાંથી આવી રહ્યા છે. આ તમામ પૈસાનો ઉપયોગ સટ્ટા માટે કરવામાં આવી રહ્યા છે.
આ મામલે તપાસ માટે પીસીબીની ટીમે સુમિલ કોમ્પ્લેક્સમાં દરોડા પાડ્યા હતા. આ દરોડામાં ૭ મોબાઈલ, ૩ લેપટોપ, ૫૩૬ ચેકબુક, ૫૩૮ ડેબિટ કાર્ડ, ૧૪ પીઓએસ મશીન, ૧૯૩ સીમકાર્ડ, સાત પાનકાર્ડ, ૮૩ કંપનીના સિક્કા, ૨૦ ડિજિટલ સિગ્નેચર ડિવાઇસ અને રોકડ મળીને ૩.૩૮ લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો.
આ અંગે તપાસ કરતા સામે આવ્યું હતું કે, એક મોબાઈલ એપ્લિકેશન દ્વારા બુકીઓ સટ્ટો રમાડતા હતા. વિવિધ લોકોને એજન્ટ બનાવી આઈડી ઊભા કરવામાં આવતા અને આ એજન્ટો દ્વારા સટ્ટો રમાડવામાં આવતો. આનો મુખ્ય માસ્ટર માઇન્ડ દીપક ઠક્કર હતી, જેની એક વર્ષ પહેલાં એએમસીએ દુબઈથી ધરપકડ કરી હતી. હાલ, આ કેસમાં ૩૫થી વધુની ધરપકડ થઈ ચુકી છે.