Western Times News

Gujarati News

નર્મદા નદીમાં પાણીની આવક થતા ભરૂચની આસપાસના ગામોમાં પૂરની સંભાવના

સરદાર સરોવર ડેમમાંથી ચાર લાખ ૪૫ હજાર ક્યુસેક પાણી છોડાતા ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની જળ સપાટી ૨૭ ફૂટને પાર

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લામાં સીઝનમાં ત્રીજી વખત સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવક થવાના કારણે પાણીનો પ્રવાહ નર્મદા નદીમાં ઠાલવવામાં આવતા ચાર લાખ ૪૫ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજ ની જળ સપાટી ૨૭ ફૂટને પાર થતા ભરૂચમાં પૂર્ણ સ્થિતિ ઊભી થાય તેવી સંભાવના વચ્ચે ફુરજા બંદરે પણ દત્ત મંદિરમાં પાણી પ્રવેશ્યા હોવાની ઘટનાઓના પગલે ફરી એકવાર ભરૂચ જિલ્લા વાસીઓની ચિંતામાં વધારો થયો છે.

ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં પણ પાણીની આવક થતા ડેમ ઓવરફ્‌લો થાય તે પહેલા સત્તાવાર પાણીનો પ્રવાહ નર્મદા નદીમાં ઠાલવવામાં આવી રહ્યો છે જેના પગલે સતત ત્રીજી વખત સીઝનમાં નર્મદા ડેમ માંથી ૪ લાખ ૪૫ હજાર ક્યુસેક પાણી ગતરાત્રિએથી જ છોડવામાં આવી રહ્યું છે

અને તંત્ર પણ સરદાર સરોવર ડેમના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહી નર્મદાના કાંઠા વિસ્તારમાં લોકોને તકલીફ ન પડે તે અંગેનું પણ ધ્યાન રાખી નર્મદા નદીના કાંઠે પણ રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા તેમજ એલર્ટ રહેવા તેમજ કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા માટેના સૂચનો આપી દેવા સાથે જિલ્લા કલેકટર પણ સતત નર્મદાના કાંઠા વિસ્તારોનું નિરીક્ષણ કરી રહ્યા હોવાની માહિતી સાંપડી રહી છે.

ભરૂચ શહેરમાં પણ સતત પાણીનો પ્રવાહ નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યો છે જેના પગલે ગોલ્ડન બ્રિજ નજીકની જળ સપાટી ભયજનક ૨૪ ફૂટે છે જેને વટાવીને ૨૭ ફૂટે પહોંચી જતા હજુ પણ નર્મદા નદીમાં સતત પાણીની આવક થવાના કારણે સપાટીમાં વધારો થતા કાંઠા વિસ્તારોમાંથી પાણી પ્રવેશી રહ્યા હોય જેના પગલે ભરૂચના ફુરજા બંદરે પાણી આવી પહોંચતા દત્ત મંદિર માં પાણી પ્રવેશી ગયા છે.

સાથે જ કાંઠા વિસ્તારોથી પાણી રહેણાંક વિસ્તાર સુધી પહોંચવાની તૈયારીમાં હોય અને ગટરના પાણી પણ નદીમાં જતા હોય જે બેક મારતા ગટરોના પાણી પણ ફરી એકવાર કુંડીઓ ઓવર ફ્‌લો થતી હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે સાથે જ ફરી એક વાર પૂર સંકટને લઈ ફુરજા બંદરના વેપારીઓની પણ ચિંતા વધી હોવાના અહેવાલો મળી રહ્યા છે.

નર્મદા નદીમાં સતત પાણીનો પ્રવાહ છોડવામાં આવતા કાંઠા વિસ્તારોના ખેડૂતોના ખેતરોમાં પણ જળબંબકાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેના પગલે ખેડૂતોએ કરેલી ખેતી પણ નિષ્ફળ રહી છે અને ફરી એકવાર ખેડૂતો પણ અસરગ્રસ્ત ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે

દર ચોમાસાની સિઝનમાં નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ છોડવામાં આવતા કાંઠા વિસ્તારના ખેડૂતોને પાયમલ થવાનો વારો આવતો હોય તેવા આક્ષેપ પણ અંકલેશ્વર તરફના બોરભાઠા બેટના સરપંચે કર્યા છે અને અંકલેશ્વર તરફનો નીચાણવાળો વિસ્તાર હોવાના કારણે નર્મદાના પાણી વહેલી તકે પ્રવેશતા હોવાના પણ આક્ષેપો કર્યા છે.

નર્મદા ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડવામાં આવતો હોવા અંગેની માહિતી પણ ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા એ પણ આપી હતી અને તેઓએ કહ્યું હતું કે અમો સતત સરદાર સરોવર ડેમના અધિકારીઓ સાથે સંપર્કમાં છીએ અને જે પ્રકારે પાણી છોડવામાં આવી રહ્યું છે તેની ઉપર સતત વહીવટી તંત્રની નજર રહી છે અને જે પણ કાંઠા વિસ્તારના રહી તો છે તેમનું નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે અને જો સ્થળાંતર કરવાની જરૂર પડશે તો સ્થળાંતર કરી તેમની તમામ સુવિધાઓ પણ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવનાર હોવાનું તેઓએ કહ્યું છે

શ્રીજી વિસર્જનને લઈ ગણપતિ આયોજકો પણ ચિંતામાં મુકાઈ ગયા છે આવતીકાલ શનિવારના રોજ આનંદ ચૌદસ હોવાના કારણે લોકો ગણપતિ બાપા ને ઉત્સાહ અને ઉમંગ સાથે વિસર્જન યાત્રા લઈને નીકળનાર છે અને ઝળકુંડમાં શ્રીજીનું વિસર્જન કરવામાં આવે તેવા પ્રયાસો થઈ રહ્યા છે સાથે નર્મદા નદીના કાંઠે કોઈ પણ જગ્યાએ કોઈ અવર-જવર ન કરી શકે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હોવાની માહિતી સાપડી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.