Western Times News

Gujarati News

અંબાજી મેળામાં બાળ સહાયતા કેન્દ્ર દ્વારા વિખુટા પડેલા ૮૨ જેટલાં બાળકોનું પુનઃમિલન કરાયું

અંદાજિત ૧૬૩૧ થી પણ વધુ બાળકોએ ચાઈલ્ડ ફ્રેન્કલી ગેલેરી/ફીડિંગરૂમ/ ઘોડિયાઘરનો લાભ લીધો

(પ્રતિનિધિ) અંબાજી, અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ બાળકોની સુરક્ષા અને સલામતી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં પગપાળા આવનાર યાત્રાળુઓ સાથે મોટી સંખ્યામાં નાના બાળકો પણ આવતા હોય છે.

આ નાના બાળકો મેળા દરમ્યાન તેમના પરિવારથી વિખુટા પડે અથવા ગુમ થવાના કિસ્સામાં તેમના પરિવાર સાથે બાળકોનું મિલન કરાવવા જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા બાળ સુરક્ષા એકમ બનાસકાંઠા દ્વારા બાળ સહાયતા કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે. અંબાજી ખાતે દાંતા, કામાક્ષી મંદિર અને ખોડીવલી સર્કલ એમ ત્રણ જગ્યાએ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.

આજ દિન સુધી આ બાળ સહાયતા કેન્દ્રો પરથી ૧૯,૦૦૦ થી વધુ બાળકોને તેમના નામ, સરનામાં, ઇમર્જન્સી મોબાઈલ નંબર લખીને આઈકાર્ડ પહેરાવવામા આવ્યા છે. જેની મદદથી બાળકો ગુમ થયાના કિસ્સામાં વાલી વારસાની ઝડપથી શોધ કરી શકાય છે. જિલ્લા બાળ સહાયતા કેન્દ્ર દ્વારા મેળા દરમ્યાન આજ દિન સુધી ૮૨ જેટલાં બાળકોને તેમના વાલી વારસાથી મિલન કરાવી શકાયું છે.

જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી આશિષ જોશીએ જણાવ્યુ હતુ કે, જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શનમાં બાળ સુરક્ષા કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. માં અંબેના મેળામાં આવતા બાળકોને આઈ કાર્ડ પહેરવામાં આવે છે. જેમાં તેમના વાલી વારસાની વિગતો હોય છે.

જેથી કોઈ બાળક વિખૂટું પડી જાય ત્યારે જ્યાં સુધી આ બાળકોના વાલી વારસો મળી ના આવે ત્યાં સુધી આ બાળકોને બાળ સુરક્ષા કેન્દ્ર પર જિલ્લા બાળ સુરક્ષા એકમનો સ્ટાફ અને સંકલિત બાળ વિકાસ વિભાગની આંગણવાડી બહેનો પોતાના બાળકની જેમ બાળકોની કાળજી રાખે છે.

નાના બાળકોને ઘોડિયામા સુવાડવા, રમકડાંથી રમાડવા, નાસ્તો કરાવવો, બાળકોને કાઉન્સિલીગ સેવા પુરી પાડી માતા/પિતાથી વિખુટા પડ્‌યાના ટ્રોમાંથી દૂર રાખવા, બાળકો સાથે રમતો રમવી જેવી પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે. આમ બાળકના કલ્યાણ અને સુરક્ષાની જવાબદારી સારી રીતે કરવામાં આવે છે. આવા બાળકોને આંગણવાડીની બહેનો દ્વારા કાળજી અને હૂંફ આપવામાં આવે છે.

કાયદા અધિકારી શ્રી મનોજ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, ભાદરવી પૂનમના મેળામાં ગુજરાત અને ભારતભરમાં દર્શનાર્થીઓ દર્શનાર્થે આવે છે. આવા મોટા મેળામાં વહીવટી તંત્રે જે નાનામાં નાની બાબતનું ધ્યાન રાખ્યું છે તે આવકારદાયક છે. મેળામાં આવનાર બાળક ગુમ થઈ જાય તો તેમને શોધવા માટે આઈ કાર્ડ આપવામાં આવ્યા છે જેથી તેનું સ્કેન કરી શકાય છે.

અહીં માતા પોતાના બાળકને ફીડિંગ કરાવી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કહેવાનું મન થાય કે, માતાના દરબારમાં માતાનું જે ધ્યાન રાખવામાં આવ્યું છે તે માટે સરકાર અને વહીવટી તંત્રને સલામ કરવાનું મન થાય છે. માતાજીના આશીર્વાદ અને ભક્તિને જિલ્લા વહીવટી તંત્રએ સાચા અર્થમાં સાર્થક કર્યું છે.

અંબાજી મુખ્ય કંટ્રોલ પોઇન્ટ ખાતે આવેલ બાળ સહાયતા કેન્દ્રમા બનાવેલ ચાઈલ્ડ ફ્રેન્કલી ગેલેરી/ ફીડિંગ- ધોડિયા ઘરનો મેળામાં અંદાજિત ૧૬૩૧ જેટલા બાળકોએ લાભ લીધો છે. બાળ સહાયતા કેન્દ્રની આવી સેવાઓથી યાત્રાળુઓ બહુ જ પ્રભાવિત થઈ અંતઃકરણથી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા બાળ સુરક્ષા એકમ બનાસકાંઠાના તમામ અધિકારીશ્રી અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.