Western Times News

Gujarati News

રેલ્વે ઓવરબ્રીજ માત્ર છ મહિનામાં જ ધોવાયો: નવનિર્મિત ગોધરા ભુરાવાવને વરસાદની અસર

(પ્રતિનિધિ)ગોધરા,  ગોધરા શહેરમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના એક પછી એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ કરોડો રૂપિયાના ખર્ચે ભુરાવાવ વિસ્તારમાં નવનિર્માણ પામેલ રેલ્વે ઓવર બ્રિજનો રસ્તો ભારે વરસાદની અસરથી ધોવાઈ જવા પામ્યો છે.

આ બ્રિજ ગોધરાના ભુરાવાવ વિસ્તારથી સીધા બસ સ્ટેશનને જોડે છે, જે ટ્રાફિકની દ્રષ્ટિએ અત્યંત મહત્વનો માર્ગ ગણાય છે.માત્ર છ માસ પહેલાં જ આ નવા બ્રિજનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે શહેરીજનોને અર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ થોડા જ મહિનામાં તેની હાલત બગડી જતાં તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે. નાગરિકોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે, કારણ કે કરોડો રૂપિયાની સરકારી રકમ ખર્ચીને બનેલા આ ઓવર બ્રિજનો રસ્તો અત્યારે જ જર્જરિત હાલતમાં દેખાઈ રહ્યો છે.

સ્થાનિક તંત્રએ આ મુદ્દે પોતાને પલડા પરથી દૂર કરતાં જણાવ્યું છે કે આ બ્રિજ રેલ્વેના કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવ્યો છે અને તેનો સીધો જવાબદાર રેલ્વે વિભાગ છે, શહેરપાલિકા કે જિલ્લા તંત્ર નહીં. બીજી તરફ નાગરિકોનું માનવું છે કે કોન્ટ્રાક્ટરો દ્વારા સતત નબળી કક્ષાની સામગ્રીનો ઉપયોગ કરીને કામ કરવામાં આવે છે, જેના કારણે આવા બનાવો વારંવાર સામે આવી રહ્યા છે.

હાલની પરિસ્થિતિએ વાહનચાલકો માટે ગંભીર સમસ્યા ઊભી કરી છે. બ્રિજ પર મોટા મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. ઘણીવાર એકાદ બે કિલોમીટર સુધી લાંબી વાહનોની કતારો જોવા મળે છે. પરિણામે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિક જામના કારણે સ્કૂલ-કોલેજ જતા વિદ્યાર્થીઓ, રોજગાર માટે જતાં કર્મચારીઓ તેમજ સામાન્ય નાગરિકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.

નાગરિકો તથા વાહનચાલકો તંત્રને તાત્કાલિક મરામત કાર્ય હાથ ધરવાની માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે દરરોજ હજારોની સંખ્યામાં વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે, જેથી અકસ્માતનો ભય વધતો જાય છે. સુરક્ષાને લઈને લોકોમાં દહેશત વ્યાપી રહી છે.

આ ઘટના પંચમહાલ જિલ્લામાં વિકાસના કામોમાં ચાલી રહેલી બેદરકારી અને ભ્રષ્ટાચારનું જીવંત ઉદાહરણ બની છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મુદ્દે કઈ રીતે કાર્યવાહી કરે છે અને કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લે છે કે નહીં.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.