મોડાસામાં ૮ શ્રેષ્ઠ શિક્ષકોનું પારિતોષિક સાથે સન્માન કરાયું

પ્રતિનિધિ.મોડાસા, અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે શ્રી આંબેડકર ભવનમાં શિક્ષક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રિયંકા બેન ડામોરના અધ્યક્ષસ્થાને અને જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારિકની ઉપસ્થિતિમાં શિક્ષક સન્માન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા.
જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારિકે સંબોધન કરતાં જણાવ્યું કે, “શિક્ષકો રાષ્ટ્ર નિર્માણનો પાયો છે અને તેમનું યોગદાન અમૂલ્ય છે. શિક્ષકોની મહેનત અને સમર્પણથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડાય છે.” તેમણે શિક્ષકોને તેમની શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા સમાજને પ્રેરણા આપવા માટે પ્રોત્સાહિત કર્યા.
શિક્ષક દિવસ ૨૦૨૫ નિમિત્તે અરવલ્લી જિલ્લામાં યોજાયેલા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ ઉત્કૃષ્ટ શૈક્ષણિક સેવાઓ બદલ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા. જિલ્લા કક્ષાએ શ્રી ઉન્મેષકુમાર બી. પટેલ (શ્રી એમ. આર. શાહ હાઇસ્કૂલ, રમાસ, બાયડ, માધ્યમિક), ડૉ. મનહરસિંહ એચ. પરમાર (બી.આર.સી. કા.ઓ., માલપુર, પ્રાથમિક) અને શ્રી હરેશકુમાર બી. પ્રજાપતિ (રેલ્લાવાડા પ્રાથમિક શાળા, મેઘરજ, પ્રાથમિક)ને પારિતોષિક એનાયત કરવામાં આવ્યા.
તાલુકા કક્ષાએ શ્રીમતી નિરજકુમારી આર. રાઠોડ (શ્રી ગાબટ જૂથ પ્રાથમિક શાળા, બાયડ), શ્રીમતી ભાવનાબેન જે. જોષી (બાંઠીવાડા પ્રાથમિક શાળા, મેઘરજ), શ્રીમતી આનલબેન બી. ઉપાધ્યાય (નાથાવાસ-૧ પ્રાથમિક શાળા, માલપુર), શ્રી રોશનકુમાર કે. પટેલ (મગોડી પ્રાથમિક શાળા, માલપુર) અને શ્રી પીયૂષકુમાર પી. પટેલ (શ્રી ખેરંચા પ્રાથમિક શાળા, ભિલોડા)ને તેમની શૈક્ષણિક સેવાઓ માટે સન્માનિત કરવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી પી.સી.બરંડા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દીપેશ કેડિયા, જિલ્લાના પદાધિકારીશ્રીઓ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમતી ડો.ઉષાબેન ગામીત અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી નૈનેશકુમાર દવે તેમજ જિલ્લાના શિક્ષકો, અધિકારીઓ, અને શૈક્ષણિક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સન્માનિત શિક્ષકોએ પોતાની શૈક્ષણિક સેવાઓ અને સમાજ પ્રત્યેની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.