પોલીસ સાથેની ઝપાઝપીની ઘટનામાં આર્મી જવાન હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ

(પ્રતિનિધિ) હિંમતનગર, હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં બે દિવસ અગાઉ ટ્રાફીક પોલીસના કર્મચારીઓ વાહન ચેકિંગ કરતા હતા ત્યારે એક આર્મી જવાન પોતાની કારમાં બ્લેક ફિલ્મ લગાવીને કાર સાથે જઈ રહ્યા હતા ત્યારે ટ્રાફીક શાખાના જવાને તેને અટકાવી પુછપરછ કરતા આ આર્મી જવાન અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી
ત્યારબાદ સરકારી કામગીરીમાં અડચણ ઉભી કરી હોવાના આક્ષેપ સાથે ટ્રાફીકના જવાને આર્મી જવાન વિરૂધ્ધ એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદ બાદ આ આર્મી જવાનને પોલીસે ગુરુવારે મોડેથી હિંમતનગરની કોર્ટમાં રજૂ કરાયો હતો
જ્યાં ન્યાયાધીશ સમક્ષ આર્મી જવાને આપેલી જુબાની મુજબ તેને શરીરે ઈજા થઈ હોવાનું જણાવતા ન્યાયાધીશે સારવાર માટે તેને હિંમતનગર સિવીલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.દરમ્યાન ઈજાગ્રસ્ત આ જવાનને સિવીલમાં દાખલ કરાયો છે.
ત્યાં તે સિવીલમાં આવેલ ખાસ કેદી વોર્ડમાં સારવાર હેઠળ છે. આ અંગે ડીવાયએસપી એ.કે પટેલે એક વાતચીતમાં જણાવ્યું હતુ કે તલોદ તાલુકાના પોયડા ગામના આર્મી જવાન યશપાલસિંહ ઝાલા એ ફરજ પરના ટ્રાફીક કર્મચારી સાથે ઝપાઝપી કરતા તેને ઈજા પહોંચી હતી.
જોકે આ વખતે ઉપસ્થિત ટ્રાફીક જવાનો પણ પોતાના શરીર પર ગુપ્ત કેમેરા ધારણ કર્યા હોવાથી સમગ્ર ઘટના તેમાં કેદ થયા બાદ ટ્રાફીક જવાને આર્મી જવાન વિરુધ્ધ બુધવારે મોડેથી એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવ્યા બાદ આર્મી જવાનને પોલીસે હિંમતનગરની કોર્ટમાં રજૂ કર્યો હતો.
જયાં તેણે આપેલા નિવેદનને આધારે મેડીકલ ચેકઅપ માટે હિંમતનગર સિવીલમાં લઈ જવાનું જણાવ્યું હતુ. તો બીજી તરફ હિંમતનગર સિવીલના આરએમઓ ડો. જાનીએ જણાવ્યું હતુ કે આર્મી જવાન યશપાલસિંહ ઝાલા શુક્રવારે સાંજે ચાર વાગ્યા સુધી સિવીલમાં આવેલ ખાસ કેદી વોર્ડમાં સારવાર હેઠળ રખાયો છે. જ્યાં ફરજ પરના તબીબો સારવાર કરી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે આ આર્મી જવાનને સિવીલમાંથી ડિસ્ચાર્જ કરાયા બાદ તે આગળ શું કરશે તે જોવું રહ્યું.