ડોનાલ્ડ ટ્રમ્પે પેન્ટાગોનનું નામ બદલી ડિપાર્ટમેન્ટ ઓફ વોર કર્યું

નવી દિલ્હી, અમેરિકાના સંરક્ષણ વિભાગનું નામ બદલાઈ ગયું છે. પ્રમુખ ટ્રમ્પે હવે પેન્ટાગોનનું નામ બદલીને ડિપાર્ટમેન્ટ ઓફ વાર એટલે કે યુદ્ધ વિભાગ કરી દીધું છે.
ટ્રમ્પે શુક્રવારે એટલે કે ૫ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ આ આદેશ પર સહી કરી હતી અને કહ્યું કે આનાથી દુનિયાને ‘વિજયનો સંદેશ’ મળ્યો છે.ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે, ‘મને લાગે છે કે આ જીતનો સંદેશ આપે છે અને દુનિયાની વર્તમાન પરિસ્થિતિને જોતા આ નામ વધુ યોગ્ય છે.’
જોકે, ટ્રમ્પ કાંગ્રેસની મંજૂરી વગર પેન્ટાગોનનું નામ સત્તાવાર રીતે બદલી શકતા નથી, પરંતુ તેમના આદેશમાં યુદ્ધ વિભાગને ગૌણ પદ તરીકે વાપરવાની મંજૂરી આપવામાં આવી છે.
ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, ટ્રમ્પ દ્વારા આ નામ રાખવાથી ખરેખર યુદ્ધ વિભાગની યાદ તાજી થાય છે. વર્ષ ૧૭૮૯માં અંગ્રેજો પાસેથી આઝાદી મળ્યા બાદ અને બીજા વિશ્વયુદ્ધના તરત પછી સુધી, લગભગ ૧૫૦ વર્ષથી વધુ સમય સુધી આ પદનો ઉપયોગ થતો રહ્યો હતો.યુદ્ધ વિભાગ તત્કાલીન પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટન દ્વારા બનાવવામાં આવ્યો હતો.
પેન્ટાગોનની સત્તાવાર વેબસાઈટ મુજબ, તે સમયે તે અમેરિકન આર્મી, નેવી અને મરીન કોર્પ્સની દેખરેખ રાખતો હતો, પરંતુ દસ વર્ષ પછી નેવી અને મરીન અલગ થઈ ગયા. હાલના સંરક્ષણ વિભાગમાં આર્મી, નેવી, મરીન કોર, એર ફોર્સ અને તાજેતરમાં સ્પેસ ફોર્સનો સમાવેશ થાય છે, જેનો ઇતિહાસ મૂળ યુદ્ધ વિભાગથી અલગ છે.
એવું લાગી રહ્યું હતું કે ટ્રમ્પ પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધમાં જીત પછી અમેરિકાની સૈન્ય નિષ્ફળતા માટે તેને સંરક્ષણ વિભાગ કહેવાના નિર્ણયને જવાબદાર ઠેરવી રહ્યા હતા.
તેમણે કહ્યું, ‘આપણે દરેક યુદ્ધ જીતી શકતા હતા, પરંતુ આપણે ખરેખર રાજકીય રીતે વધુ પડતા યોગ્ય રહેવાનું કે જાગૃત રહેવાનું પસંદ કર્યું.’આ નામ બદલવાનું કારણ ટ્રમ્પની તેમના બીજા કાર્યકાળમાં દેશ-વિદેશમાં પોતાની શક્તિ અને ક્ષમતા પ્રદર્શિત કરવાની વ્યાપક કોશિશનો એક ભાગ છે, જે તેમની ‘મેક અમેરિકા ગ્રેટ અગેન’ નીતિનો હિસ્સો છે.SS1MS