આંધ્ર પ્રદેશના એક ગામમાં રહસ્યમય બીમારી ફેલાઈ, ૨૦ના મોત

નવી દિલ્હી, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ શુક્રવારે (પાંચમી સપ્ટેમ્બર) ગુંટુર જિલ્લાના તુરાકાપાલેમ ગામમાં છેલ્લા બે મહિનામાં રહસ્યમય બીમારીથી ઓછામાં ઓછા ૨૦ લોકોના મૃત્યુ બાદ સ્વાસ્થ્ય ઈમરજન્સી જાહેર કરી છે.
સરકારે આ મામલાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય તબીબી ટીમો મોકલી છે.સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે તબીબી શિક્ષણ નિયામક ડૉ. રઘુનંદનના નેતૃત્વ હેઠળની એક ટીમે સંપૂર્ણ તપાસ માટે તુરાકાપાલેમ ગામની મુલાકાત લીધી છે.
તપાસ ચાલુ છે, ત્યારે અધિકારીઓને મેલિઓઈડોસિસ નામના બેક્ટેરિયલ ઈન્ફેક્શનની શંકા છે. આ શંકા પ્રાથમિક પ્રયોગશાળાના અહેવાલો પર આધારિત છે જેમાં ગ્રામજનોમાં આ ઈન્ફેક્શનના બે કેસોની પુષ્ટિ થઈ છે.
મેલિયોઇડોસિસ એ એક ગંભીર બેક્ટેરિયલ ઈન્ફેક્શન છે જે બુર્કહોલ્ડેરિયા સ્યુડોમેલેઈ નામના બેક્ટેરિયમને કારણે થાય છે, જે સામાન્ય રીતે માટી અને સ્થિર પાણીમાં જોવા મળે છે, ખાસ કરીને ચોમાસા અને પૂરની ઋતુમાં.
જો કે, એન્ટિબાયોટિક્સના લાંબા કોર્સથી તેની સારવાર થઈ શકે છે, સમયસર નિદાન અત્યંત મહત્વપૂર્ણ છે.મેલિઓઈડોસિસ ડાયાબિટીસ જેવા પહેલાથી અસ્તિત્વમાં રહેલા રોગો ધરાવતા વ્યક્તિઓને અસર કરે છે, તેથી કિડનીના કાર્ય, બ્લડ પ્રેશર અને બ્લડ સુગરના સ્તરની તપાસ સહિત, તમામ ૨,૫૦૦ રહેવાસીઓની વ્યાપક આરોગ્ય તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.
અધિકારીઓએ મૃત્યુમાં એક પેટર્ન નોંધ્યું છે, જેમાં મોટાભાગના પીડિતો ૫૫ વર્ષની આસપાસના પુરુષો હતા જેમને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ હતી. લક્ષણો ઘણીવાર તાવ અને ઉધરસથી શરૂ થાય છે અને ફેફસાંને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.SS1MS