બેન્ક ઓફ બરોડાએ, આરકોમ અને અનિલ અંબાણીને ફ્રોડ જાહેર કર્યા

નવી દિલ્હી, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા તથા બેન્ક ઓફ ઈન્ડિયા બાદ બેન્ક ઓફ બરોડા (બીઓબી)એ પણ રિલાયન્સ કમ્યુનિકેશન્સના લોન એકાઉન્ટ તથા તેના પૂર્વ ડિરેક્ટર અને પ્રમોટર અનિલ અંબાણીને ફ્રોડ જાહેર કર્યાં છે.
આશરે એક દાયકા અગાઉ કંપનીને આપેલી લોનના કથિત દુરૂપયોગના કેસમાં આ કાર્યવાહી કરાઈ હોવાનું બેન્કે એક નિયમનકારી ફાઈલિંગમાં જણાવ્યું હતું. કંપનીના લોન એકાઉન્ટ તથા તેના પૂર્વ ડિરેક્ટર અનિલ અંબાણીને ફ્રોડ જાહેર કરવાના નિર્ણય અંગેની જાણ કરતો બેન્ક ઓફ બરોડાનો પત્ર મળ્યો હોવાની રિલાયન્સ કમ્યુનિકેશન્સ (આરકોમ)એ પુષ્ટી કરી હતી.
બેન્ક ઓફ બરોડાએ કંપનીને રૂ. ૧,૬૦૦ કરોડ તથા રૂ. ૮૬૨.૫૦ કરોડનું એમ કુલ ૨,૪૬૨.૫૦ કરોડ ધિરાણ કર્યું હતું. જે પૈકીના રૂ. ૧,૬૫૬.૦૭ કરોડની રકમ ૨૮ ઓગસ્ટ, ૨૦૨૫ સુધી કંપનીએ બેન્કને ચૂકવી નથી તેમ બેન્કે નિયમનકારી ફાઈલિંગમાં આપેલી માહિતીમાં જણાવ્યું છે. કંપનીના એકાઉન્ટને ૫ જૂન, ૨૦૧૭થી એનપીએ તરીકે વર્ગીકૃત કરાયું હતું.
હાલમાં નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલી આરકોમ કંપનીના ટેકઓવર માટે યોગ્ય ખરીદદાર શોધી રહી છે, જે કંપનીનાં દેવાં પૂરા કરી શકે.બીઓબીએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં એનસીએલટી દ્વારા કોઈ રિઝોલ્યુશન પ્લાન મંજૂર કરાયો નથી. આ મામલે અનિલ અંબાણીના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બીઓબીએ કરેલી કાર્યવાહી ૧૨ વર્ષથી વધુ જૂના મામલાં સંબંધિત છે.
પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, ૨૦૦૬માં કંપનીની સ્થાપનાથી લઈને ૨૦૧૯માં રાજીનામું આપ્યું ત્યાં સુધી અનિલ અંબાણીએ આરકોમના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. તેઓ ક્યારેય કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નહોતાં.
એટલું જ નહીં કંપનીની દૈનિક કાર્યવાહી કે નિર્ણય લેવામાં તેમની કોઈ ભૂમિકા નહોતી. આરકોમના ધિરાણકર્તાઓમાં ૧૪ બેન્કોના કોન્સોર્ટિયમ સામેલ હોવાનું જણાવતાં પ્રવક્તાએ ઉમેર્યું હતું કે, ૧૦ વર્ષના લાંબા ગાળા બાદ ચોક્કસ બેન્કોએ હવે અનિલ અંબાણીને લક્ષ્યાંક બનાવીને આ કાર્યવાહી શરૂ કરી છે.SS1MS