Western Times News

Gujarati News

ચીન સાથેનો સરહદ અંગેનો વિવાદ સૌથી મોટો સલામતી પડકારઃ CDS ચૌહાણ

નવી દિલ્હી, વર્તમાન સમયમાં રાષ્ટ્રીય સલામતી માટે પડકારજનક મુદ્દાની વાત કરતાં સીડીએસ (ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ) જનરલ અનિલ ચૌહાણે કહ્યું હતું કે, ભારતને હજારો ઘા મારી લોહી વહેવડાવવા પાકિસ્તાન પ્રોક્સી વોર ચલાવી રહ્યું છે.

રાષ્ટ્રીય સલામતી માટે પાકિસ્તાનના પ્રોક્સી વોર પછીનો બીજો સૌથી મોટો પડકાર ચીન સાથેનો સરહદ વિવાદ છે. પ્રાદેશિક અસ્થિરતા અને ભારત પર તેની અસર તથા ઝડપથી બદલાઈ રહેલા માહોલમાં ભવિષ્યના યુદ્ધ માટે જરૂરી ટેકનોલોજીને તેમણે ત્રીજા અને ચોથા પડકાર તરીકે ઓળખાવ્યા હતા.

ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતે એક કાર્યકરમ દરમિયાન જનરલ ચૌહાણે કહ્યું હતું કે, ભારતે દરેક પ્રકારની પરંપરાગત યુદ્ધ પદ્ધતિ માટે સજ્જ રહેવું પડશે, કારણ કે અણુ શસ્ત્રોથી સજ્જ બે રાષ્ટ્રો તેની સામે છે.

ઓપરેશન સિંદૂર દરમિયાન સશસ્ત્ર દળોને કાર્યવાહી માટે સંપૂર્ણ સ્વતંત્રતા અપાઈ હતી. આ ઓપરેશનનો હેતુ પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા ઉપરાંત સરહદ પારના આતંકવાદને નિયંત્રણમાં રાખવાનો પણ હતો.

ઓપરેશન સિંદૂર અંગે જાહેરમાં પ્રથમ વખત વાત કરતાં ચૌહાણે કહ્યું હતું કે, નેશનલ સીક્યુરિટી એડવાઈઝરએ લક્ષ્યાંકોની પસંદગી, સૈન્યની તૈનાતી અને રાજદ્વારી માર્ગે તણાવ દૂર કરવા સહિતની વિવિધ કામગીરીમાં મહત્ત્વનું યોગદાન આપ્યુ હતું. તેમણે કહ્યું હતું કે, ભારતમાંથી સતત રક્ત નીતરતું રહે તે માટે પાકિસ્તાન થોડા-થોડા સમયે પ્રયાસ કરતું રહે છે.

ભારતના પડોશી દેશોમાં સામાજિક, રાજકીય અને આર્થિક અસ્થિરતાનો માહોલ છે, જેના કારણે પ્રાદેશિક અસ્થિરતા પણ ચિંતાજનક છે. યુદ્ધની પદ્ધતિઓ ઝડપથી બદલાઈ રહી છે. ભવિષ્યના યુદ્ધો માત્ર જમીન, પાણી કે હવા પૂરતા મર્યાદિત નહીં રહે. સ્પેસ, સાયબર અને ઈલેક્ટ્રોમેગ્નેટિક જેવા ક્ષેત્રોમાં પણ યુદ્ધ થશે. આ પ્રકારની સ્થિતિ માટે સજ્જ રહેવાનો પડકાર આપણી સામે ઊભો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.