Western Times News

Gujarati News

રિવોર્ડની લાલચ આપી ગઠિયાની ૧૪ ક્રેડિટકાર્ડથી ૨૦.૪૦ લાખની ઠગાઇ

અમદાવાદ, બાળપણના મિત્રે જ મિત્રની સાથે છેતરપિંડી કરી હોવાનો વિચિત્ર કિસ્સો વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. એક યુવકને તેના મિત્રે ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઇન્ટ વધારી આપશે તેવી લાલચ આપીને તેના ૧૪ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યાે હતો.

આરોપીએ ઉછીના નાણાં પણ આ યુવક પાસેથી લીધા હતા. આરોપીએ થોડા સમય બાદથી લોન કે ક્રેડિટ કાર્ડનું બિલ ન ભરીને ૨૦.૪૦ લાખની છેતરપિંડી આચરી હતી. યુવકે ઉઘરાણી કરતા આરોપીએ ધમકી આપી હતી.

જેથી વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જીવરાજ પાર્કમાં શરીફાબાદ સોસાયટીમાં રહેતા મોહંમદ ફઇમરઝા મોમીન હરિયાણાની એક કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કરે છે.

બે વર્ષ પહેલાં તે તેમના બાળપણના મિત્ર મોહંમદ યુનુસ શેખ સાથે બેઠા હતા ત્યારે યુનુસે ક્રેડિટ કાર્ડ તું વાપરતો નથી અને બીગ બિલિયન સેલમાં હું તેનો ઉપયોગ કરીશ તો લિમિટ પણ વધશે અને રિવોર્ડ પોઇન્ટ મળશે તેવી લાલચ આપી હતી. તેથી ફઇમરઝાએ ક્રેડિટ કાર્ડ યુનુસને વાપરવા આપ્યા હતા.

બાદમાં તેની પર ભરોસો બેસતા વધુ કાર્ડ માટે બેંકમાં એપ્લાય કર્યું હતું અને આમ કુલ ૧૪ ક્રેડિટ કાર્ડ વાપરવા આપ્યા હતા. યુનુસ ક્રેડિટ કાર્ડના બિલ પણ ભરી દેતો હતો અને ત્યારબાદ યુનુસે ફઇમરઝા પાસે કેટલાક ઉછીના રૂપિયા માગ્યા હતા.

ફઇમરઝાએ ૪.૭૮ લાખ અને ૪.૮૩ લાખ પેટીએમની લોનથી મેળવીને આપ્યા હતા. જે બાદ યુનુસે ક્રેડિટ કાર્ડના બિલ ભરવા અને લોનની રકમ ચૂકવવાનું બંધ કરી દેતા ફઇમરઝાએ નાણાંની માગણી કરતા તેણે ધમકી આપી હતી. આરોપીએ કુલ રૂ. ૨૦.૪૦ લાખની છેતરપિંડી આચરતા ફઇમરઝાએ મિત્ર મોહંમદ યુનુસ શેખ (રહે. મંસુરી સોસાયટી, વેજલપુર) સામે ફરિયાદ આપતા વેજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.