ગોમતીપુરમાં બીજા માળની ગેલેરી તૂટી, ફાયર બિગ્રેડે વૃદ્ધા સહિત ૯ને બચાવ્યા

અમદાવાદ, ગોમતીપુરમાં ચાર માળિયાના મકાનમાં બીજા માળની ગેલેરીનો ભાગ તૂટી પડતા એક વૃદ્ધા ઇજાગ્રસ્ત થયા હતી. તેમજ ફાયરબ્રિગ્રેડે ત્યાં ફસાયેલી ૯ વ્યક્તિનું રેસ્ક્યૂ કરીને સહિસલામત નીચે ઉતાર્યા હતા.
જ્યારે મકાનો જર્જરિત હોવાથી તંત્ર દ્વારા અગાઉ અનેકવાર નોટિસો આપી છતાં ખાલી કરાયા ન હતા.ગોમતીપુર સુખરામનગર પાણીની ટાંકીની બાજુમાં આવેલ સંત વિનોબાભાવેનગર ચાલીમાં ચાર માળિયાના મકાનમાં શુક્રવારે સવારે ૮.૫૦ વાગ્યે બીજા માળે એક મકાનમાં ગેલેરીનો ભાગ તૂટી પડતા નાસભાગ મચી ગઇ હતી. જ્યારે કાટમાળ એક વૃદ્ધા પર પડતા તેમને ઇજાઓ પહોંચી હતી.
તેમજ ત્યાં રહેતા ૧૦ લોકો ફસાયા હતા. જેથી ફાયરબ્રિગ્રેડને જાણ કરતા ફાયરની ત્રણ ગાડીઓએ ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં ઇજાગ્રસ્ત વૃદ્ધાને બહાર કાઢીને તાત્કાલિક સારવારઅર્થે હોસ્પિટલ મોકલી આપ્યા હતા.
તેમજ અન્ય નવ વ્યક્તિઓને ફાયરકર્મીઓએ દોરડું બાંધીને લેડર દ્વારા સહિસલામત નીચે ઉતાર્યા હતા. ઘટનાને લઇને આસપાસમાં લોકોના ટોળા એકઠા થયા હતા તેમજ રસ્તો બંધ કરવાની ફરજ પણ પડી હતી. જો કે આ ઘટનામાં કોઇ મોટી જાનહાનિ સામે આવી નથી.SS1MS