ટાટા કેપિટલ 2025નો સૌથી મોટો IPO લાવશેઃ કંપનીનું વેલ્યુએશન USD 18 અબજ

ટાટા ગ્રુપની નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ શાખાના વરિષ્ઠ અધિકારીઓએ હોંગકોંગ, સિંગાપોર, લંડન, ન્યૂયોર્ક અને ભારતના મુખ્ય શહેરોમાં બેઠકો યોજી હતી.
ટાટા કેપિટલે 2 અબજ ડોલર (અંદાજીત 17200 કરોડ)ના IPO માટેનો મંચ તૈયાર કર્યો;
અમદાવાદ, ટાટા કેપિટલે મુખ્ય વૈશ્વિક નાણાકીય કેન્દ્રોમાં રોકાણકારોના રોડ-શોની શ્રેણી પૂરી કરી 22 સપ્ટેમ્બરથી શરૂ થતા સપ્તાહમાં તેના બહુ-અપેક્ષિત USD 2 બિલિયન (રૂ. 17,200 કરોડ)ના આઈપીઓ (IPO) માટે મંચ તૈયાર કર્યો હોવાનું ઘટનાક્રમથી માહિતગાર લોકોએ જણાવ્યું હતું. નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની 30 સપ્ટેમ્બર સુધીમાં શેરબજારમાં પ્રવેશ કરે તેવી અપેક્ષા છે, જે 2025નો સૌથી મોટો IPO બની રહેશે.
ઓગસ્ટમાં શરૂ થયેલાં આ રોડ શોઝમાં વૈશ્વિક અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની મજબૂત ભાગીદારી જોવા મળી હતી તેમ ઉદ્યોગ જગતના સૂત્રોએ જણાવ્યું હતું.
ટાટા ગ્રુપની નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ શાખાના વરિષ્ઠ અધિકારીઓએ હોંગકોંગ, સિંગાપોર, લંડન, ન્યૂયોર્ક અને ભારતના મુખ્ય શહેરોમાં બેઠકો યોજી હતી. વિવિધ સ્થળોએ યોજાયેલાં સેશન્સમાં ટાટા કેપિટલના વૈવિધ્યસભર પોર્ટફોલિયો, મજબૂત નાણાકીય અને ડિજિટલ-ફર્સ્ટ વૃદ્ધિની વ્યૂહરચનાને દર્શાવવામાં આવી હતી.
બજારમાં ભાગ લેનારા લોકોના જણાવ્યાં અનુસાર, રોકાણકારોના સફળ સંપર્કને પગલે કંપનીની બજારમાં પ્રવેશવા માટેની સ્થિતિ મજબૂત બની છે, અને તેનું મૂલ્યાંકન USD 18 બિલિયન સુધી પહોંચવાની ધારણા છે. એપ્રિલમાં ટાટા કેપિટલે કોન્ફડેન્શિયલ IPO પેપર્સ ફાઇલ કર્યા ત્યારે USD 11 બિલિયનના મૂલ્યાંકનથી આ એક તીવ્ર ઉછાળો દર્શાવે છે.
ઓગસ્ટમાં ફાઇલ કરાયેલા અપડેટેડ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) મુજબ, IPOમાં 21 કરોડ ઇક્વિટી શેરનો નવો ઇશ્યૂ અને 26.58 કરોડ શેર સુધીની ઓફર ફોર સેલ (OFS) સાથે કુલ 47.58 કરોડ શેર હશે.
ટાટા સન્સના પ્રમોટર 23 કરોડ સુધીના શેર વેચશે, જ્યારે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન (IFC) 3.58 કરોડ સુધીના શેર વેચશે. હાલમાં, ટાટા સન્સ પાસે ટાટા કેપિટલનો 88.6 ટકા હિસ્સો છે, જ્યારે IFC પાસે 1.8 ટકા હિસ્સો છે. નવા ઇશ્યૂમાંથી મળનારી આવકનો ઉપયોગ ટિયર-1 કેપિટલ અને ધિરાણ વૃદ્ધિને વધારવા કરવામાં આવશે.
જો આ આઈપીઓ સફળ થશે તો ભારતના નાણાકીય ક્ષેત્રનો તે સૌથી મોટો પબ્લિક ઈશ્યૂ બની રહેશે. નવેમ્બર 2023માં ટાટા ટેક્નોલોજીસના પ્રવેશ પછી, તાજેતરના વર્ષોમાં ટાટા ગ્રુપનું આ બીજું પબ્લિક લિસ્ટિંગ પણ બની રહેશે. આ IPO રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના (RBI) અપર-લેયર NBFCs માટેના લિસ્ટિંગ મેન્ડેટને અનુસરીને હાથ ધરાઈ રહ્યો છે, જે અંતર્ગત તેના વર્ગીકરણના ત્રણ વર્ષની અંદર લિસ્ટિંગ થવું જરૂરી છે. સપ્ટેમ્બર 2022માં ટાટા કેપિટલને અપર-લેયર NBFC તરીકે જાહેર કરાઈ હતી.
ટાટા કેપિટલની માફક, HDFC બેંકની નોન-બેંકિંગ કંપની – HDB ફાઇનાન્સિયલ સર્વિસિસ જૂનમાં રૂ. 12,500 કરોડના ઇશ્યૂ સાથે બજારમાં પ્રવેશી હતી. આ ઉપરાંત વધુ એક અપર-લેવલ NBFC બજાજ હાઉસિંગ ફાઇનાન્સે સપ્ટેમ્બર 2024માં માર્કેટમાં ધમાકેદાર પ્રવેશ કર્યો હતો, પ્રથમ દિવસે તેનો શેર ઈસ્યુ પ્રાઈસ કરતા જે તેના પ્રથમ દિવસના વેપારને ઇશ્યૂ પ્રાઇસ પર 135 ટકા પ્રીમિયમ સાથે બંધ કરી રહ્યો હતો.
ટાટા કેપિટલે નાણાકીય વર્ષ 26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 1,041 કરોડના ચોખ્ખા નફા સાથે મજબૂત નાણાકીય પરિણામો દર્શાવ્યાં હતાં, જે વર્ષ અગાઉના રૂ. 472 કરોડના નફાં કરતાં બમણાથી વધુ છે. તેની કુલ આવક જૂન, 2024ના ત્રિમાસિક ગાળાના રૂ. 6,557 કરોડથી વધીને રૂ. 7,692 કરોડ થઈ છે.