9.92 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાસભર સાણંદમાં ‘ન્યાય મંદિર’નું નિર્માણ કરાયું

કાયદામંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે સાણંદ ખાતે નવનિર્મિત ‘ન્યાય મંદિર‘નું લોકાર્પણ કરાયું
સાણંદમાં નવીન ‘ન્યાય મંદિર‘ થકી નાગરિકોની ન્યાયી યાત્રા સુદ્ઢ અને સુખાકારી બનશે :- મંત્રી ઋષિકેશ પટેલ
અમદાવાદના સાણંદ ખાતે કાયદામંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે નવનિર્મિત ‘ન્યાય મંદિર’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. સાણંદના નાગરિકોને ન્યાયિક પ્રક્રિયામાં સુદઢતા મળે તે માટે અંદાજિત ₹.9.92 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાસભર ‘ન્યાય મંદિર’નું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે કાયદામંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકે ઓળખાતા સાણંદમાં ઔધોગિક પ્રગતિ સાથે ન્યાયિક પ્રક્રિયાને વેગ મળે તે હેતુસર તાલુકામાં સંપૂર્ણ સુવિધાથી સજ્જ ન્યાય મંદિરનું લોકાર્પણ કરાયું છે.
મંત્રીશ્રીએ દેશના બંધારણ દ્વારા ઘડેલી ન્યાયપ્રણાલીની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, સુવ્યવસ્થાના ભાગરૂપે ચાર પ્રકલ્પો અગત્યના છે. જેમાં આસ્થાનું મંદિર, શિક્ષણનું મંદિર, આરોગ્ય મંદિર અને ન્યાય મંદિરનો સમાવેશ થાય છે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યના દરેક તાલુકામાં અદ્યતન કોર્ટનું નિર્માણ થઈ રહ્યું છે જેમાં આરોગ્યની વ્યવસ્થા, વિજ્ઞાન ટેક્નોલોજીથી સભર અને ન્યાયિક પ્રક્રિયા વેગવંતી બને તે પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા સુનિશ્રિત કરવામાં આવી છે. આ ઉપરાંત ફોર્મલ વિટનેસ ડિપોઝીશન સેન્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે ઈ-કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટનું પણ ઝડપી અમલીકરણ કરાઈ રહ્યું છે.
મંત્રીશ્રીએ નવીન સુવિધાસભર સાણંદ ‘ન્યાય મંદિર’માં ઉપલબ્ધ સેવાઓ વિશે વિસ્તૃત જાણકારી આપી હતું અને આ ‘ન્યાય મંદિર’થી સાણંદની ન્યાયી યાત્રામાં વધુ સુદઢતા અને સુખાકારી આવશે તેવી વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, લોકોને સુશાસનનો પ્રત્યક્ષ અનુભવ થાય તે માટે સરળ, સસ્તો અને ઝડપી ન્યાય પ્રાપ્ત થાય તે આવશ્યક છે. જે માટે રાજ્ય સરકાર, ગુજરાત હાઇકોર્ટના સૂચન અનુસાર તમામ પ્રકારની સુગમ વ્યવસ્થા સુનિશ્રિત કરવા પ્રયાસરત છે.
આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિશ્રી તથા અમદાવાદ (ગ્રામ્ય) જિલ્લા અદાલતના એડમિનિસ્ટ્રેટિવ જજ શ્રી સંગીતા વીશેન દ્વારા દ્વારા ઉપસ્થિત સૌને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, સાણંદ ગુજરાતના ઔધોગિક વિકાસનું રોલ મોડલ છે. છેલ્લા વર્ષોથી ઝડપી વિકસિત બનેલા સાણંદની વિકાસયાત્રામાં નવા પ્રકલ્પ ‘ન્યાય મંદિર’નો ઉમેરો થયો છે તે ગૌરવપૂર્ણ બાબત છે.
તેમણે ન્યાયિક વ્યવસ્થા વિશે વિસ્તૃત વાત કરી હતી અને સંવિધાનિક ભાવના અને આદર વિશે પણ જણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મજબૂત ન્યાયપાલિકા વિકાસની મહત્વપૂર્ણ કડી છે. વધુમાં તેમણે 1980 ના દાયકામાં શરૂ થયેલી સાણંદ કોર્ટની અત્યાર સુધીની સફર પણ વર્ણવી હતી.
તેમણે વધુ ઉમેર્યું હતું કે, ન્યાય મંદિર નાગરિકોના વિશ્વાસનું મંદિર છે. તેમણે ઉપસ્થિત સૌને ન્યાયની સુલભ કામગીરી માટે સહકાર આપી લોકોની ન્યાયની અપેક્ષા પૂર્ણ કરવા સૂચન કર્યું હતું.
આ પ્રસંગે અમદાવાદ (ગ્રામ્ય) જિલ્લા અદાલતના મુખ્ય ન્યાયાધીશ શ્રી કમલ સોજીત્રાએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ નવનિર્મિત ‘ન્યાય મંદિર’ની મુલાકાત કરી હતી અને વિકસાવેલી સુવિધાઓ વિશે પણ માહિતી મેળવી હતી.
સાણંદ નવીન ‘ન્યાય મંદિર’ની સુવિધાઓ વિશે વાત કરીએ તો, બે માળના આધુનિક ‘ન્યાય મંદિર’માં લાયબ્રેરી, બેંક, પોસ્ટ ઓફિસ, કેન્ટિન, ઝેરોક્ષ રૂમ, પુરુષ તથા મહિલા બારરૂમ માટેના પ્રસાધન, કેદી માટેના પ્રસાધન, આ ઉપરાંત ચાર જેટલા કોર્ટ રૂમ, કોન્ફરન્સ રૂમ, જજીસ લાયબ્રેરી, ઇ-સેવા કેન્દ્ર, વિડિયો કોન્ફરન્સ રૂમ કનેક્ટેડ વિથ જેલ, મેડિકલ સુવિધા અને મીડિયેશન સેન્ટર, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
આ પ્રસંગે સાણંદ તાલુકા કોર્ટના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ શ્રી આર.એસ.શાહ, મુખ્ય જિલ્લા સરકારી વકીલ શ્રી પી.એમ.ત્રિવેદી, સાણંદ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી એચ.બી.ચૌહાણ, ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ, જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી શૈલેષભાઈ દાવડા, કાયદા વિભાગના સેક્રેટરી શ્રી યુ.એમ.ભટ્ટ તથા ન્યાયિક અધિકારીશ્રીઓ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઓમપ્રકાશ જાટ, સિનિયર એડવોકેટશ્રીઓ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને સાણંદના સભ્યશ્રીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ધારાશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.