Western Times News

Gujarati News

પ્રાકૃતિક ખેતીપદ્ધતિમાં ખેતરમાં આચ્છાદન કરવામાં આવે તો તે અનેક રીતે ફાયદાકારક

પ્રતિકાત્મક

પ્રાકૃતિક ખેતીપદ્ધતિમાં જીવામૃત અને ઘનજીવામૃત ઉપરાંત ખેતરમાં આચ્છાદન કરવામાં આવે તો તેના અદ્વિતીય પરિણામ મળે છે. જેટલી જમીનને ઢાંકીને રાખીશું  તેટલો જ તેનો સેન્દ્રિય કાર્બન વધશે. પાકના અવશેષોને ખેતરમાં સળગાવવાથી પ્રદૂષણ વધે છે અને ખેડૂત માટે ઉપયોગી તેવા મિત્ર કીટકો નાશ પામે છે. તેથી આ પાક અવશેષોને આચ્છાદનના રૂપમાં જમીનને ઢાંકવા માટે વાપરવા જોઈએ.

આચ્છાદનના ફાયદાઓ

૧.‌ વૈજ્ઞાનિકો પણ એ વાતને સ્વીકારે છે કે, જ્યારે ધરતીનું તાપમાન ૩૫ ડિગ્રી કે તેનાથી વધી જાય છે, ત્યારે જમીનનો સેન્દ્રિય કાર્બન હવામાં ઉડવાનો શરૂ થઈ જાય છે. જે વાતાવરણમાં જઈને વાયુ પ્રદુષણ કરે તેનાથી ગ્લોબલ વોર્મિંગ વધે છે. જો આપણે જમીનને ઢાંકીને રાખીશું. તો તેનો સેન્દ્રિય કાર્બન ઊડશે નહીં, પરંતુ જમીનની ઉત્પાદન શક્તિ (ફળદ્રુપતા)  વધારશે.

૨.માટીના બે કણોની વચ્ચે ૫૦ ટકા ભેજ અને ૫૦ ટકા વાયુ હોય છે. આ આચ્છાદન વાપ્સા નિર્માણ કરે છે. તેમજ જમીનમાં હ્યુમસ નિર્માણ કરે છે. એક કિલો હ્યુમસ વાતાવરણમાંથી ૫ થી ૬ લીટર પાણીને ખેંચીને છોડને ભેજના રૂપમાં આપે છે. છોડને પાણી નહીં ભેજ જોઈએ. આ આચ્છાદનથી જમીનમાં ભેજ જળવાઈ રહે છે, આવી રીતે ૫૦ ટકા પાણીની બચત થાય છે.

૩.જે જીવાણુઓ જીવામૃતના રૂપમાં આપણે ખેતરમાં આપ્યા હતા, તેને ખાવા માટે ગોળ અને કઠોળનો લોટ આપ્યો હતો. હવે જમીનમાં આ જીવાણુઓ શું ખાશે? પ્રકૃતિની અદભૂત વ્યવસ્થા છે. ખેતરમાં આ જીવાણુઓ પોતાનું ભોજન આચ્છાદનમાંથી બનાવે છે, અને તેને ખાઈને હ્યુમસનું નિર્માણ કરે છે.

૪.ખેડૂતો માટે ખેતરમાં નિંદામણ બહુ મોટી સમસ્યા છે. તેનું નિયંત્રણ કરવા માટે ખૂબ જ મજૂરની જરૂર પડતી હોય છે. જો તમે ખેતરને આચ્છાદનથી ઢાંકી દેશો તો ખેતી પાકમાં નિંદામણનું નિયંત્રણ થશે. કારણ કે, નિંદામણના બીજને અંકુરિત થવા સૂર્યપ્રકાશ મળશે નહીં.

૫.અળસિયાંઓ ખેતરમાં ફક્ત રાત્રીના અંધારામાં જ કામ કરે છે કારણ કે, દિવસના પક્ષીઓ તેનો શિકાર કરે છે. તેથી તે ડરીને ઉપર આવતા નથી. જો ખેડૂત ખેતરમાં આચ્છાદન કરે તો આ અળસિયાં આચ્છાદનથી થતા અંધારામાં દિવસ રાત કામ કરે છે. તે ખેડૂતની જમીનમાં ઓક્સિજનનું સંચરણ પણ કરે છે, ખાતર પણ તૈયાર કરે છે. અળસિયાં દ્વારા બનાવવામાં આવેલાં અનેક છિદ્રો દ્વારા વરસાદનું પાણી જમીનમાં નીચે ઊતરી જાય છે, તેથી જમીનનું ભૂગર્ભ જળસ્તર ઉપર આવે છે. તેનાથી જમીનમાં ભેજ બની રહે છે, અને સખત ગરમીમાં પણ છોડ સુકાતા નથી. આટલા બધા ફાયદાઓ આચ્છાદનથી થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.