Western Times News

Gujarati News

ગુજરાત સરકારની આ આરોગ્ય લક્ષી એવી યોજના છે જે મધ્યમ પરિવાર માટે આશીર્વાદ સ્વરૂપ

સરકારશ્રીની આરોગ્ય લક્ષી ‘આયુષ્યમાન યોજના’ અમારા જેવા નાના અને આર્થિક રીતે સદ્ધર ન હોય પરિવાર માટે ખરેખર આશીર્વાદ સ્વરૂપ : લાભાર્થીશ્રી બીજલભાઇ ડામોર

Dahod, દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઉભાપાણ, સાગડાપાડા ગામના રહેવાસી ડામોર બીજલભાઇ લાલાભાઇને પથરીની તકલીફ હોવાથી વારંવાર અસહ્ય દુખાવો થતો હતો. ગોળી લેવાથી દુખાવો ઓછો થઈ જતો હતો. તેમ છતાં બે-પાંચ દિવસ પછી ફરીથી દુખાવો શરુ થઇ જતો હતો. તેથી બીજલભાઇ ડામોરને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ દૂરબીન વડે આધુનિક મશીનરીથી ઓપરેશન કરીને પથરી બહાર કાઢવામાં આવી હતી. હાલ તેઓ બિલકુલ સ્વસ્થ અને તંદુરસ્ત છે.

લાભાર્થી સાથે વાત કરતા તેઓએ કહ્યું હતું કે, મને કમરની પાછળના ભાગમાં સખત દુખાવો થતો હતો. એટલે અમે ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવી તો નાની-મોટી પથરી હશે તો આ ટેબલેટથી સારું થઈ જશે, તેવું કહીને ટેબલેટ આપી હતી. પણ એનાથી દુખાવો તો ઓછો થઈ જતો હતો પરંતુ થોડા દિવસો બાદ ફરી દુખાવો થતો હતો.

ધીમે-ધીમે દુખાવો અસહ્ય થતાં અમે મલેકપુરની એક ખાનગી હોસ્પિટલમાં ગયા. ત્યાં સોનોગ્રાફી કરીને સાત દિવસના કોર્સની દવા આપવામાં આવી. પણ એનાથી પણ વધારે ફરક ન જણાતા, અમે અમદાવાદની સિવિલ હોસ્પિટલ અસારવા ગયા અને ત્યાં દાખલ થયા. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સોનોગ્રાફી કરતા ખબર પડી કે, પથરી ખુબ મોટી એટલે કે ૩૫ MMની હતી. એટલે સિવિલ હોસ્પિટલમાં આધુનિક મશીનરી દ્વારા દૂરબીન વડે કિડની જે પથરી હતી તેને ટુકડા કરીને બહાર કાઢ્યા હતા.

વધુમાં લાભાર્થી એ કહ્યું, ભારત સરકાર અને ગુજરાત સરકારશ્રીની આ આરોગ્ય લક્ષી એવી યોજના છે જે અમારા નાના અને મધ્યમ પરિવાર માટે ખરેખર આશીર્વાદ સ્વરૂપ છે. આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ મને મફત સારવાર મળી તે બદલ સરકારશ્રીનો ખુબ ખુબ આભાર.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.