1 એકરમાં ફૂલોની ખેતી કરીને મેળવી રહ્યાં છે વાર્ષિક 1 લાખથી વધુની આવક

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઝરોર ગામના ખેડૂતશ્રી દિલીપભાઈ ડાંગી
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઝરોર ગામના ખેડૂતશ્રી દિલીપભાઈ ડાંગીએ આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ મુવાલિયા ફાર્મ ખાતે પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી હતી. ત્યારબાદ ગામમાં કલસ્ટર દ્વારા આપવામાં આવતી તાલીમ લીધા બાદ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. હાલ તેઓ ૧ એકરમાં ફૂલોની ખેતી કરીને વાર્ષિક ૧ લાખથી વધુની આવક મેળવી રહ્યા છે.
ખેડૂતશ્રી દિલીપભાઈ ડાંગી સાથે વાત કરતા તેઓએ કહ્યું કે, ૨૦૨૦/૨૧ માં આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ મેં વિવિધ જગ્યાએ પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી હતી. ત્યારબાદ કલસ્ટર દ્વારા અમને ગાય આધારિત એટલે કે પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગમાં લેવાતા જીવામૃત અને ધન જીવામૃત બનાવતા શીખવાડી ખેતીમાં કઈ રીતે તેનો ઉપયોગ કરવો તેની સમજ આપવામાં આવી હતી.
પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધા બાદ હું ખેતીમાં દરેક પાકમાં ફૂલોમાં અને શાકભાજીમાં જીવામૃત ઘન જીવામૃતનો ઉપયોગ કરું છું સાથે હું મિશ્ર ખેતી પણ કરું છું. ખેતી સાથે હું ફૂલોની ખેતી કરું છું, જેમાં ગલગોટા અને ગુલાબ આ બંન્નેની ખેતી કરું છું. ફૂલો હું જથ્થાબંધ કોઈ વેપારીને આપતો નથી. હું જાતે બજારમાં બેસીને ફુલો વેચું છું જેથી મને વધારે નફો મળે છે.
મેં જ્યાંરથી પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી છે, ત્યારથી આજ દિન સુધી મારા ખેતરમાં ક્યારેય રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કર્યો નથી. મારા ખેતરમાં ગાય આધારિત જીવામૃત, ઘન-જીવામૃતનો ઉપયોગ કરું છું અથવા તો છૂટું છાણીયુ ખાતર નાખું છું.
વધુમાં તેમણે કહ્યું હતું કે, રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ કર્યા બાદ પ્રાકૃતિક ખેતીની શરૂઆતમાં ૧-૨ વર્ષ ખેતીમાં વધારે ઉપજ આવતી નથી. પણ ત્રણ વર્ષ બાદ રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ કર્યા બાદ કરેલ ખેતી કરતા પણ વધારે ઉપજ આવે છે. સાથોસાથ ખાવામાં પણ ગુણકારી રહે છે. જેથી હું તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે, પ્રાકૃતિક ખેતી તરફ વળો અને પ્રાકૃતિક ખેતી કરો.