આચાર્ય લોકેશજીએ બાબા બાગેશ્વરજીની સનાતન હિંદુ એકતા પદયાત્રા સમર્થન આપ્યું

Ø જૈન આચાર્ય લોકેશજી આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીની દિલ્હીથી વૃંદાવન પદયાત્રામાં સાથે ચાલશે
Ø પદયાત્રાની તૈયારીઓ માટે ઉદાસીન આશ્રમમાં સંત પરિષદનું આયોજન થયું
દિલ્હી સંત મહામંડળ દ્વારા આચાર્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી બાગેશ્વર ધામ સરકારની દિલ્હીથી વૃંદાવન સનાતન હિંદુ એકતા પદયાત્રાની તૈયારીઓ માટે ઉદાસીન આશ્રમમાં સંત પરિષદનું આયોજન થયું. પરિષદમાં અહિંસા વિશ્વ ભારતીના સંસ્થાપક જૈન આચાર્ય લોકેશજી, પ્રસિદ્ધ કથાવાચક શ્રી સુધાંશુજી મહારાજ, દિલ્હી સંત મહામંડળના અધ્યક્ષ મહામંડલેશ્વર નારાયણ ગિરીજી મહારાજ, મહામંડલેશ્વર ડૉ. રાજેશ્વરદાસજી મહારાજ સહિત દેશભરમાંથી આવેલા આચાર્ય, મહામંડલેશ્વર, સંત, મહંત, સાધુ, સાધ્વીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
વિશ્વ શાંતિ કેન્દ્રના સંસ્થાપક જૈન આચાર્ય લોકેશજીએ સંત પરિષદને સંબોધન કરતાં જણાવ્યું કે હિંદુ સનાતન યાત્રા ભારતની એકતા અને અખંડિતતાને મજબૂત બનાવશે અને તેના મૂળને વધુ ઊંડાણ સુધી પહોંચાડશે. આ યાત્રાથી હિંદુસ્તાનની યશકીર્તિ દરેક દિશામાં પ્રસરી જશે. આથી હિંદુ સનાતન સમાજ એકતાબદ્ધ થશે અને ભારતને દિવ્ય અને ભવ્ય બનાવવા સહાય મળશે.
આચાર્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીએ તમામ સંતોને યાત્રામાં સાથે આપવા આમંત્રણ આપ્યું. તેમણે કહ્યું કે આ કોઈ રાજકીય પક્ષને લાભ કે નુકસાન પહોંચાડવા માટે નથી. યાત્રાનો હેતુ સનાતન ધર્મને મજબૂત બનાવવાનો, મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિના ભવ્ય મંદિરના નિર્માણ માટે, યમુનાનું શુદ્ધિકરણ અને બ્રજભૂમિને માંસ-મદિરામુક્ત બનાવવાનો, હિંદુ સમાજને એકતાબદ્ધ કરવાનો છે જેથી ધર્મપરિવર્તન ન થાય અને લવ જિહાદ અટકે.
પ્રખ્યાત કથાવાચક શ્રી સુધાંશુજી મહારાજે યાત્રાને સમર્થન આપતાં જણાવ્યું કે આજે દેશને નબળું બનાવવા માટે સનાતનના વિરુદ્ધ અનેક ષડયંત્રો થઈ રહ્યા છે. આવા સમયમાં સનાતન ધર્મને મજબૂત બનાવવું અત્યંત આવશ્યક છે. આ માટે પદયાત્રાના માધ્યમથી લોકોમાં જનજાગૃતિ આવશે.
દિલ્હી સંત મહામંડળના અધ્યક્ષ મહામંડલેશ્વર નારાયણ ગિરીજી મહારાજે જણાવ્યું કે હિંદુઓમાં ભાષાવાદ, પ્રાંતવાદ અને જાતિવાદના ભેદને દૂર કરીને એકતાબદ્ધ કરવાનો આ યાત્રાનો હેતુ છે. આ યાત્રામાં દેશભરમાંથી મહામંડલેશ્વર, સંતો અને મહાત્માઓ સાથે જોડાશે તેવું અમે આશ્વાસન આપીએ છીએ.
મહામંડલેશ્વર ડૉ. રાજેશ્વરદાસજી મહારાજે કહ્યું કે સનાતન ધર્મ મજબૂત થશે ત્યારે જ ભારત દેશ મજબૂત બનશે. સત્ય સનાતનની ધારા વધુ પ્રબળ બનાવવી પડશે. આ પદયાત્રામાં જોડાવવા માટે અમે દેશભરના હિંદુઓને આહ્વાન કરીએ છીએ.
આ અવસરે દેશભરમાંથી આવેલા અનેક આચાર્ય, મહામંડલેશ્વર, સંતો, મહંતો, સાધુઓ, સાધ્વીઓએ પોતાના વિચારો વ્યક્ત કરતાં પદયાત્રા સમર્થન આપ્યું. સંત પરિષદનું સંચાલન કરતાં મહામંડલેશ્વર સ્વામી નવાલકિશોર દાસજી મહારાજે પોતાના વિચારો રજૂ કર્યા.