સાબરમતી નદીમાં પાણી છોડાતા સુભાષબ્રિજ પાસે રિવરફ્રન્ટ વોક-વે ડુબ્યો

અમદાવાદ: ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદના સુભાષ બ્રિજ પાસેનો રિવરફ્રન્ટ વોક વે ડૂબ્યો છે. જે જોવા માટે સુભાષબ્રિજ પર મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. રિવરફ્રન્ટ પર લોકોને અવર જવર પર રોક લગાવાઈ છે. રિવરફ્રન્ટ વોક વે પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
પોલીસ દ્વારા લોકોને સાવચેત રહેવા સતત એનાઉન્સ કરવામાં આવી રહ્યું છે. ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ સુભાષબ્રિજ પહોચ્યા હતા. કોઈને પાણી નજીક ન જવા અને સેલ્ફી નહીં લેવાની સૂચના અપાઈ છે. ભારે વરસાદ અને પાણીના પ્રવાહને લઈને લોકોએ રિવરફ્રન્ટ પર ઊભું નહીં રહેવા સૂચના અપાઈ છે.
આજે અમદાવાદમાં પણ ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. તે ઉપરાંત ધરોઈ અને સંતસરોવર સહિતના ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. બીજી તરફ અમદાવાદના વાસણા બેરેજમાંથી 27 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે.
ધરોઈ ડેમમાંથી 94240 ક્યુસેક પાણી છોડાયુ છે. સંત સરોવર ડેમમાંથી 76624 ક્યુસેક પાણી છોડાયું છે. જેના કારણે અમદાવાદ ગ્રામ્ય અને ખેડા, આણંદ સહિતના વિસ્તારોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે.
બીજી બાજુ, ખેડા સાબરમતી નદીમાં પાણીની ભરપૂર આવક થઇ છે. ઉપવાસમાંથી એક લાખ કયુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે. પથાપુર, કલોલી, રસિકપુરા,ધરોડા, પાલ્લા, અસમાલી સહિતના ગામડાઓ અસર કરી શકે છે. ઉપરવાસમાંથી છોડાયેલું પાણીએ લોકોની મુશ્કેલી વધારી દીધી છે.
ખેડા તાલુકાના નીચાણવાળા ગામડાઓ પાણીથી પ્રભાવિત થઇ ગયા છે. વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે ગઈકાલે મોડી રાતથી લોકોને સલામત સ્થળે ખસેડી રહ્યું છે. 22 જેટલી બસો મૂકી વહીવટી તંત્રની સાથે સાથે સ્થાનિક ધારાસભ્ય પણ લોકોના સ્થળાંતરમાં જોડાયા હતા.