Western Times News

Gujarati News

અમદાવાદના એક દંપતિએ જૂનાગઢના તબીબને નોકરીની લાલચ આપી 50 લાખ ખંખેર્યા

AI Image

બંટી-બબલીએ ધારાસભ્યના પીએ તરીકે ઓળખ આપીને ડોક્ટર પાસેથી 50 લાખ પડાવ્યા

અમદાવાદના આંકોલવાડીમાં રહેતા એક દંપતિએ જૂનાગઢના તબીબ સાથે મિત્રતા કેળવીને દિલ્હીમાં હાઈવે કોરીડોરના ડિવાઈડરનો ઝાડ ઉછેરનો કોન્ટ્રાક્ટ અને ગાંધીનગર સચિવાલયમાં ક્લાર્કની નોકરીની લાલચ આપીને કટકે કટકે મળીને કુલ 50 લાખ રૂપિયા ઓનલાઈન અને રોકડેથી પડાવી લીધા બાદ વિશ્વાસઘાત છેતરપિંડી કરી હોવાનો કિસ્સો પોલીસ દફતરે નોંધાયો છે.

સુત્રોના જણાવ્યા  અનુસાર, જૂનાગઢમાં જોશીપરા વિસ્તારમાં ગોપાલનગરમાં રહેતા શિલ્પાબેન રાજેશભાઈ પરમારે આ સમગ્ર મામલે અહીંના બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અમદાવાદના આંકોલવાડીમાં રહેતા રવિ ઉર્ફે રોહિત હરીભાઈ ચોવટિયા અને તેની પત્ની પ્રજ્ઞાબેન ચોવટિયા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે શિલ્પાબેનના પતિ રાજેશ પરમાર જોશીપરામાં જય સરદાર ટ્રસ્ટ હોસ્પિટલમાં મેડીકલ ઓફિસર તરીકે પ્રાઈવેટ પ્રેક્ટીસ કરે છે

અને તેમની હોસ્પિટલમાં દવા લેવા આવતા તેમના મિત્ર સુરેશ ધોરાજીવાળા મારફત અમદાવાદના રવિ ઉર્ફે રોહિત સાથે પરિચય થયો હતો. બાદમાં રવિ અને તેની પત્ની પ્રજ્ઞા પણ જૂનાગઢ રાજેશભાઈ પાસે હોસ્પિટલમાં દવા લેવા આવતા થયા અને બાદમાં મિત્રતા કેળવી હતી, બાદમાં રવિ ચોવટિયાએ જણાવ્યું કે, તે અમદાવાદના ધારાસભ્યના પીએ છે અને તેની લાગવગ છેક દિલ્હી સુધી છે,

જેથી રાજેશભાઈને દિલ્હીમાં હાઈવે કોરીડોરના ડિવાઈડરનો ઝાડ ઉછેરનો કોન્ટ્રાક્ટ અને ગાંધીનગર સચિવાલયમાં ક્લાર્કની નોકરીની લાલચ આપીને કટકે કટકે ઓનલાઈન અને રોકડથી મળીને કુલ રૂ.50.08 લાખ રૂપિયા પડાવી લીધા હતા. બાદમાં સચિવાલયમાં નોકરીના 3 માસના પગાર પેટે 73,500 રૂપિયા પરત કર્યા હતા. પરંતુ બાદમાં આ બંટી-બબલી ઉપર જૂનાગઢના દંપતીને શંકા જતા

તેઓ અમદાવાદ ખાતે ગયેલા અને માલુમ પડ્યું કે પોતાને ધારાસભ્યનો પીએ ગણાવતો રવિએ તેની સાથે વિશ્વાસઘાત, છેતરપિંડી કરી છે, જેને લઈને પૈસા પરત માગતા તેઓએ પૈસા આપવામાં ગલ્લા તલ્લા કરતા અંતે શિલ્પાબેને આ સમગ્ર છેતરપિંડી મામલે જૂનાગઢ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને આરોપીને રાઉન્ડ અપ કરીને કાયદેસરની કાર્યવાહી કરી પૂછપરછ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.