ગુજરાત વિધાનસભામાં વિપક્ષ મોંઘવારી અને કાયદો-વ્યવસ્થા મુદ્દા ઉપર સરકારને ઘેરવવાનો પ્રયાસ કરશે

અમદાવાદ પ્લેનક્રેશ દૂર્ઘટનામાં મૃત્યુ પામનારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવશે.
ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી શરૂ થશે: મહત્વપૂર્ણ વિધેયકો રજૂ કરાશે
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો સોમવારથી પ્રારંભ થશે. આ સત્ર દરમિયાન સરકાર દ્વારા કેટલાક મહત્વના વિધેયકો પસાર કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ પ્લેનક્રેશ દૂર્ઘટનામાં મૃત્યુ પામનારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવશે. બીજી તરફ વિપક્ષ દ્વારા મોંઘવારી અને કાયદો-વ્યવસ્થા સહિતના મુદ્દા ઉપર સરકારને ઘેરવવાનો પ્રયાસ કરવામાં આવશે.
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ બપોરે 12 વાગ્યાથી થવા જઈ રહ્યો છે. આ સત્રની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થશે, જેમાં વિવિધ સરકારી વિભાગોને લગતા પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને મહેસૂલ, શહેરી વિકાસ, માર્ગ અને મકાન વિભાગ, તેમજ ગૃહ અને પંચાયત વિભાગના પ્રશ્નો મુખ્ય કેન્દ્રમાં રહેશે. આ ઉપરાંત, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક બાબતોના પ્રશ્નો પણ ચર્ચા માટે રજૂ થશે.
આ પ્રશ્નોત્તરી કાળ શાસક પક્ષ અને વિપક્ષ બંને માટે જનતાના પ્રશ્નો રજૂ કરવાની તક પૂરી પાડશે. પ્રશ્નોત્તરી કાળ પૂર્ણ થયા બાદ શોક દર્શક ઉલ્લેખ રજૂ કરવામાં આવશે. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્લેન ક્રેશ જેવી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. સત્ર દરમિયાન મહત્વપૂર્ણ કાયદાકીય કામગીરી પણ હાથ ધરવામાં આવશે. ગૃહની અનુમતિ મળેલા વિવિધ વિધેયકો વિધાનસભાના મેજ પર મૂકવામાં આવશે.
આ સાથે, કામકાજ સલાહકાર સમિતિના અહેવાલ પણ રજૂ થશે, જે સત્રના ભાવિ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરશે. GST સુધારા વિધેયક સહિત નવા વિધેયકો રજૂ થશે આ સત્રમાં કેટલાક મહત્વપૂર્ણ વિધેયકો રજૂ થવાની શક્યતા છે. જેમાં GST સુધારા વિધેયક અને ગુજરાત જન વિશ્વાસ જોગવાઈઓ વિધેયક મુખ્ય છે.
આ વિધેયકો રાજ્યના નાણાકીય અને કાનૂની માળખામાં સુધારા લાવશે. આ વિધેયકો પર ગૃહમાં વિસ્તૃત ચર્ચા અને વિચાર-વિમર્શ થશે, ત્યારબાદ તેને કાયદાનું સ્વરૂપ આપવામાં આવશે. આ સત્ર ગુજરાતના વિકાસ અને કાયદાકીય સુધારાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.