અમદાવાદ શહેરમાં 30 કલાકમાં 4 ઇંચ વરસાદ : ઠેર ઠેર પાણી ભરાયા

AMCના અધિકારી-કર્મચારીઓ રજા પર હોવાના કારણે સમયસર પાણી નિકાલ ન થતા લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી બે કાંઠે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં શનિવારથી શરૂ થયેલી મેઘસવારી રવિવારે પણ યથાવત રહી હતી. શહેરમાં સરેરાશ બે ઈંચ જેટલો જ વરસાદ વરસ્યો હોવા છતા અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહનચાલકો પરેશાન જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ રવિવાર હોવાથી AMCના અધિકારી-કર્મચારીઓ રજા પર હોવાના કારણે સમયસર પાણી નિકાલ ન થતા લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
શનિવાર સવારે 10 વાગ્યાથી રવિવાર સાંજ 4 વાગ્યા સુધી 4 ઇંચ વરસાદ થયો હતો. સંત સરોવરમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડાતા સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થયો છે. જેના કારણે અમદાવાદ રિવરફ્રન્ટના વોકવે પર પાણી ફરી વળ્યા હતા. વોકવે પર બંદોબસ્ત ગોઠવી લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.
અમદાવાદ શહેરમાં શનિવારે રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યા બાદ રવિવારે સવારથી પણ મેઘસવારી યથાવત છે. રાત્રિ દરમિયાન દોઢ થી બે ઈંચ વરસાદ ખાબક્યા બાદ શહેરમાં સવારે 6:00 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાંસરેરાશ બે ઇંચ થી વધુ વરસાદ પડ્યો છે.
બપોરે બે વાગ્યા બાદ છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. સવારથી અવિરત પણે ચાલુ રહેલો વરસાદ બપોરે બે વાગ્યા બાદ ધીમો પડ્યો હતો. પવન અને ભારે વરસાદના કારણે અમદાવાદમાં શિયાળા જેવો માહોલ અમદાવાદમાં સર્જાયો છે. સાંજે ચાર વાગ્યા સુધીમાં સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજમાંથી 93,568 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના જણાવ્યા મુજબ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. જેમાં નીચાણવાળા વિસ્તારોમાં જરૂરિયાત મુજબ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેના પગલે જુના વાડજ વિસ્તારમાં આવેલા પરીક્ષિત નગરમાંથી 25 કુટુંબો અને વાસણા સ્મશાન વિસ્તારમાંથી ચાર કુટુંબોને સહી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
નાગરિકોને નદીની નજીક ન જવા માટેની સૂચના આપવામાં આવી છે. જોકે હજી પણ લોકો સાબરમતી નદી માં પાણી જોવા માટે જઈ રહ્યા છે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા સિક્યુરિટી અને પોલીસના પેટ્રોલિંગ વચ્ચે પણ લોકો હજી નદી નજીક દિવાલ પાસે ઊભા રહી અને પાણી જોવા માટે આવી રહ્યા હતા. ઉપરવાસમાં સતત વરસાદના કારણે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
સાંજે 5:00 વાગ્યા સુધીની સ્થિતિએ ગાંધીનગરના સંત સરોવર ડેમમાંથી 1.20 લાખ યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે, જે અમદાવાદ શહેરમાંથી પસાર થતી સાબરમતી નદીમાંથી પસાર થતા વાસણા બેરેજના 27 જેટલા દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે, ગેટ નંબર 3થી 29 સંપૂર્ણપણે ખોલી દેવામાં આવ્યા છે. જેથી વાસણા બેરેજમાંથી 93658 ક્યુસેક પાણી સાબરમતી નદીમાંથી આગળ છોડવામાં આવી રહ્યું છે.
સાબરમતીની વાસણા બેરેજની નદીની સપાટી 131 ફૂટ જેટલી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર મુજબ સાંજે 5 વાગે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે નદીનું લેવલ વધી રહ્યું છે.
સાબરમતી નદીમાં પાણીનું લેવલ વધવાના કારણે મીઠાખળી અંડરબ્રિજમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે જો નદીનું લેવલ હજી વધશે તો સલામતીના ભાગરૂપે મીઠાખળી અંડર બ્રિજ બંધ કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં ચોમાસાની સિઝનનો 110 ટકા જેટલો વરસાદ શહેરમાં પડ્યો છે.