મોડાસા VGRC કાર્યક્રમમાં થયેલા MoUથી ₹460 કરોડથી વધુનું રોકાણ, રોજગારીની નવી 1300 તકો પેદા થશે

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત જિલ્લા સ્તરીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉદ્યોગ અને ખાણ-ખનીજ વિભાગ દ્વારા કુલ 10 MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ઉદ્યોગ વિભાગના 5 MOU થકી ₹344.23 કરોડ અને ખાણ-ખનીજ વિભાગના 5 MOU થકી ₹125 કરોડનું રોકાણ કરવામાં આવશે.
આ પરિયોજનાઓ દ્વારા અંદાજિત 1300 લોકોને રોજગારીની તકો પ્રાપ્ત થશે, જે અરવલ્લી જિલ્લાના આર્થિક અને ઔદ્યોગિક વિકાસને નવો વેગ આપશે. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનથી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત સમિટનું સફળ મોડલ હવે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પ્રાદેશિક સ્તરે વિસ્તરિત કરીને રાજ્યના સર્વાંગી વિકાસ માટે નવો અધ્યાય શરૂ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે ઉદ્યોગ કમિશનર, શ્રી પી. સ્વરૂપે (IAS) સંબોધનમાં જણાવ્યું કે, “2003માં શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત આજે રિજનલ સ્તરે પહોંચી છે. માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં એક સામૂહિક પ્લેટફોર્મ ઊભું થયું છે, જે સ્કિલ ડેવલપમેન્ટ, MSME, અને લઘુ-મધ્યમ ઉદ્યોગો માટે નવી તકો ખોલી રહ્યું છે. આજે આ પ્લેટફોર્મ દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન મળી રહ્યું છે, જે ગુજરાતના આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપશે.”
ઓદ્યોગિક ક્ષેત્રમાં થયેલા બદલાવ અંગે જણાવતા GMDCના મેનેજિંગ ડિરેક્ટર, શ્રી રૂપવંત સિંહે (IAS) જણાવ્યું કે, “આજે આપણે AIના યુગમાં નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છીએ. છેલ્લા 100 વર્ષમાં ઔદ્યોગિક ક્ષેત્રે અનેક બદલાવ આવ્યા છે. વાયબ્રન્ટ ગુજરાતનું આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રિજનલ સ્તરે આયોજન એ સફળ નેતૃત્વનું પરિણામ છે. આ પહેલથી ગુજરાતના ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે ઓળખ મળી રહી છે.”
માનનીય કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારિકે જણાવ્યું, “આ રિજનલ કોન્ફરન્સ અરવલ્લી જિલ્લાના વિકાસનું ઉદાહરણ છે. આ પહેલથી જિલ્લાના ઉદ્યોગો અને રોજગારીની તકોમાં નોંધપાત્ર વધારો થશે. અરવલ્લી જિલ્લો આજે ઔદ્યોગિક વિકાસના નવા યુગમાં પ્રવેશી રહ્યો છે.”
માનનીય મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારે સંબોધનમાં ઉમેર્યું, “માનનીય વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી વાયબ્રન્ટ ગુજરાત આજે દેશ-વિદેશમાં નામના મેળવી રહી છે. આજે કરોડોના MOU થકી ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. આવી કોન્ફરન્સથી છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચી રહ્યો છે, અને ગુજરાત આર્થિક પ્રગતિના નવા શિખરો સર કરી
રહ્યું છે.”
આ કાર્યક્રમમાં માનનીય શ્રીમતી પ્રિયંકાબેન ડામોર, પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત, અરવલ્લી,સુશ્રી સ્નેહલબેન પટેલ, પ્રમુખશ્રી, તાલુકા પંચાયત, મોડાસા; શ્રી નિરજ શેઠ, પ્રમુખશ્રી, નગરપાલિકા, મોડાસા; શ્રી ભિખાજી દુધાજી ડામોર, પ્રમુખશ્રી, અરવલ્લી જિલ્લા ભાજપ; માનનીય કલેક્ટરશ્રી, અરવલ્લી; માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી, અરવલ્લી; શ્રી કનુભાઈ પટેલ, પ્રમુખશ્રી, ચેમ્બર ઓફ કોમર્સ; શ્રી ફૂલચંદભાઈ કછવા, મેનેજિંગ ડિરેક્ટર, ગ્રીનફે ફાર્મ ફૂડ્સ પ્રા. લિ.; અને શ્રી વિજય શાહ, મેનેજિંગ ડિરેક્ટર, વી હિયર ઇનોવેશન પ્રા. લિ. ઉપસ્થિત રહ્યા.મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ રિજનલ કોન્ફરન્સ અરવલ્લી જિલ્લાના ઔદ્યોગિક અને આર્થિક વિકાસ માટે મહત્વનું પગલું સાબિત થશે. વાયબ્રન્ટ ગુજરાતની આ પહેલ ગુજરાતના વિકાસની ગાથાને વધુ મજબૂત કરશે અને સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી કરશે.