અંધજન મંડળ અમદાવાદ ખાતે 352 દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય પૂરી પાડવામાં આવી

અંધજન મંડળ અને સ્વાભિમાન ગ્રુપના સહયોગથી ₹23 લાખના વિવિધ સાધનો અને સહયોગ એનાયત કરવામાં આવ્યા
Ahmedabad, અંધજન મંડળ દ્વારા સ્વાભિમાન ગ્રુપના સહયોગથી 352 દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય પૂરી પાડીને તેમના જીવનમાં સન્માન અને આશાનું કિરણ જગાવવાનું કાર્ય કરવામાં આવ્યું હતું. અંધજન મંડળ અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 352 દિવ્યાંગ વ્યક્તિઓને 23 લાખ રૂપિયા જેટલા માતબર રકમના વિવિધ સાધનો અને સહયોગ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં 93 દિવ્યાંગ વ્યક્તિઓને સ્વરોજગારના સાધનો, 210 દિવ્યાંગ વ્યક્તિઓને તથા બાળકોને શિષ્યવૃત્તિ અને વિવિધ સહયોગી સાધનો, 33 દિવ્યાંગ વ્યક્તિઓના પરિવારોને મેડિકલ સહયોગ તથા 16 દિવ્યાંગ વ્યક્તિઓને શૈક્ષણિક સહયોગ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો.
સ્વાભિમાન ગ્રુપ અને અંધજન મંડળ છેલ્લા એક દાયકાથી દિવ્યાંગ વ્યક્તિઓને તેમના જરૂર મુજબના વિવિધ સહયોગ આપી તેમના જીવનમાં આત્મવિશ્વાસ અને સ્વમાનભેર જીવવાની તક પૂરી પાડી રહયું છે.
આ પ્રસંગે સ્વાભિમાન ગ્રુપ સાથે જોડાયેલા દાતાઓ તથા સ્વયંસેવકો, ઉપરાંત અંધજન મંડળના ટ્રસ્ટીઓ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ તથા તેમના પરિવારોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં કોઈપણ પ્રકારની તકલીફ વખતે અંધજન મંડળ તેમના પડખે ઉભું છે તેઓ ભરોસો આપવામાં આવ્યો હતો.