હવે ગુજરાતના નાગરિકો એક વર્ષમાં માત્ર છ (૬) RTI અરજી કરી શકશે

ગાંધીનગર, ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગર દ્વારા તા. ૨૨/૮/ ૨૫ના દિવસે એક ઐતિહાસીક નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા ઠરાવાયું છે કે હવે પછી ગુજરાતના નાગરિકો કેલેન્ડર વર્ષ દરમિયાન વધુમાં વધુ ૬(છ) આર.ટી.આઈ. અરજી કરી શકશે.
આ અંગેની વિગતો એવી છે કે ભાવનગર જિલ્લાના મહુવાના નાનજી હરસુખ બારૈયા દ્વારા મહુવા તાલુકાની જુદી જુદી પ્રાથમિક શાળાઓના આચાર્યો પાસે છેલ્લા ત્રણ માસમાં ૮૭ જેટલી આર.ટી.આઈ. અરજીઓ કરીને આચાર્ય પાસે વિધાર્થીઓને લગતી માહિતી માગેલ હતી.
જે પૈકી ૩૧ જેટલી પ્રથમ અપીલ મહુવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ચલાવેલ. નાનજી બારૈયાએ ૩૧ પ્રથમ અપીલ પૈકી ૨૧ જાહેર માહિતી અધિકારી સામે માહિતી આયોગ, ગાંધીનગર ખાતે ફરિયાદો કરેલ.
જેમાં તા ૭/૮/૨૫ના રોજ સુનાવણી રાખેલ અને એમાં અરજદાર દ્રારા માહિતી અધિકારની અપ્રમાણસર અરજી કરેલ અને હજુ આવી અરજી ચાલુ છે તથા માહિતી માગવાનો હેતુ પણ શુધ્ધ જણાતો નથી એ વાત ધ્યાને લઈ તથા સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના આવાં જ નિર્ણયોને ધ્યાને રાખી આયોગ દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લઈને ઠરાવાયું છે કે
(૧)ઃ-હવે પછી ગુજરાત ના નાગરિકો કેલેન્ડર વર્ષમાં વધુ ૬ આર.ટી.આઈ. અરજી કરી શકશે
(૨)ઃ-અરજદારે અરજીની સાથે કેટલામી અરજી છે તેની લેખીત બાંહેધરી પણ મોકલવાની રહેશે
(૩)ઃ-જો કોઈ પણ નાગરિકની એક કેલેન્ડર વર્ષમાં ૬ થી વધુ અરજી થાય તો માહિતી અરજી કે તેની અપીલને દફતરે કરવી
(૪)ઃ- અરજદાર અરજી સાથે. સાથે કેટલામી અરજી છે તેની બાંહેધરી રજૂ ન કરે તો પણ અરજી દફતરે કરવી.આનો અમલ આ વર્ષથી કરવાનું પણ નક્કી કરાયું છે.
જી.ટી.યુ.ના કુલપતિ ડૉ. રાજુલ ગજ્જરનું જી.૧૦૦ ગ્લોબલ એડવાઇઝરી કાઉન્સિલના સલાહકાર સભ્ય તરીકે નામાંકન
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડો.રાજુલ ગજ્જર તેમની તેજસ્વી અને વિશિષ્ટ કારકિર્દી અને પ્રભાવશાળી નેતૃત્વ માટે જાણીતા છે.તેમના આ ગુણોને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃતિ મળી છે.
વાત જાણે એમ છે કે કુલપતિ ડૉ. રાજુલ ગજ્જરને જી-૧૦૦ ગ્લોબલ એડવાઇઝરી કાઉન્સિલના સલાહકાર સભ્ય તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે. આ ગૌરવભરી નિમણૂક વિશ્વની સફળ મહિલા નેતાઓના જૂથમાં તેમનું સ્થાન મજબૂત બનાવે છે.
જી.૧૦૦ એ ૧૦૦ વૈશ્વિક મહિલા નેતાઓનું પ્રભાવશાળી જૂથ, વિશ્વભરમાં મહિલાઓ માટે સમાન, પ્રગતિશીલ અને સમાવિષ્ટ વાતાવરણ બનાવવા માટે પ્રતિબદ્ધ થિંક ટેન્ક તરીકે કાર્ય કરે છે.
તે એક અનોખું પ્લેટફોર્મ છે જે નોબેલ પુરસ્કાર વિજેતાઓ, રાજ્યોના વડાઓ અને સી.ઈ.ઓ.સહિતના મહાનુભાવોને એક મંચ પર લાવીને આ દાયકામાં લૈંગિક તફાવતોને દૂર કરી અને સમાનતા પ્રાપ્ત કરી શકાય તે દિશામાં પ્રયત્નો કરે છે. આ સંસ્થા ૧૦૦ વૈશ્વિક પાંખો દ્વારા કાર્યરત છે, જે દરેકનું નેતૃત્વ એક પ્રખ્યાત ગ્લોબલ ચેર દ્વારા કરવામાં આવે છે.
મુખ્યમંત્રીનાં કાર્યાલયનું સૌથી વધુ સક્રિય ખાતુ ‘સ્વાગત ઓનલાઇન’

ગુજરાત સરકારની અનિર્ણાયકતાના તો અનેક દાખલા ‘ઉડીને આંખે વળગે’ એવા બહાર આવે છે.એમાં એક સુંદર અને પ્રશંસનીય અપવાદ મુખ્યમંત્રી કાર્યાલયનો ‘સ્વાગત ઓનલાઇન’ વિભાગ છે.આ વિભાગમાં મુખ્યમંત્રી દર મહિનાનાં છેલ્લા ગુરૂવારે ખુદ જાતે બેસીને પ્રજાનાં પ્રશ્નો સાંભળે છે અને તેનો સ્થળ પર નિકાલ કરે છે.
એવુ કહી શકાય કે અહીં મુખ્યમંત્રી સમક્ષ રજુ થતા નાગરિકોનાં પ્રશ્નોનો તત્કાળ નિકાલ કરવામાં આવે છે.મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલા નિર્ણય પછી તેનો અમલ સત્વરે અને સમયસર જે તે તંત્ર દ્વારા થાય તેનું સુપેરે અને નિયમિત સંકલન કરીને તેની અમલવારી કરાવવાનું કામ પણ સમયસર થાય એની ચિંતા પણ ખુદ ભૂપેન્દ્ર પટેલ અને તેમના સચિવ અવંતિકા સિંઘ ઔલખ રાખે છે
અને તેનાં પરીણામે સ્વાગત ઓનલાઇન બ્રાંચના મુખ્ય અધિકારી રાકેશ વ્યાસના નેતૃત્વ હેઠળ તેનાં તમામ અધિકારી/કર્મચારીઓ નિયમિત ફોલોઅપ લઈને જે તે અરજદારનુ કામ પૂર્ણ થઈ જાય તેની કાળજી રાખે છે.આ પધ્ધતિથી ન્યાય મેળવનાર એક બહેને આ લખનારને જણાવ્યું કે પોતાની કોઈ ઓળખાણ કે વગ ન હોવા છતાં આ વ્યવસ્થા દ્વારા તેમનો વર્ષો જુનો પડતર પ્રશ્ન માત્ર એક રજુઆતમાં ઉકેલાયો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કૃષિ મંત્રી રાઘવજી પટેલની કામગીરી પર ખુશ છે
ગુજરાત રાજ્યના કૃષિ વિભાગનો હવાલો સંભાળતા કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ સંવેદનશીલ,પ્રજાવત્સલ અને સક્રિય મંત્રી હોવાની છાપ ધરાવે છે.તેનો પુરાવો તાજેતરમાં ગાંધીનગર ટાઉનહોલમાં યોજાયેલી ગુજકોમાસોલની સામાન્ય સભામાં પોતાના પ્રવચનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાઘવજીની જાહેરમા પ્રશંસા કરીને આપી દીધો છે.
મુખ્યમંત્રીએ પોતાના પ્રવચનમાં કહ્યું કે ‘અહીં રાઘવજી પટેલ છે એટલે ખેડુતોને તો કંઈ ચિંતા કરવાની હોય જ નહીં, રાઘવજી પટેલ આખો દિવસ તેમની ચિંતા કરતાં હોય છે.
અત્યારે ય મારી પાસે બેઠા હતાં ત્યારે મને કાનમાં કહ્યું કે ખેડુતોને લગતી પેલી ફાઈલ મોકલી છે એમાં સહી કરી દેજો ને!’ રાઘવજીની ભૂપેન્દ્ર પટેલે કરેલી પ્રશંસા તેમનું મંત્રી તરીકેનું પર્ફોમન્સ કેવું છે એ સૂચવે છે.