ઉત્તરાખંડના હરિદ્વારમાં દુર્ઘટના, મનસા દેવી હિલ્સમાં ભૂસ્ખલન

હરિદ્વાર, ઉત્તરાખંડના હરિદ્વારમાં ભીમગોડા રેલ્વે ટનલ અને કાલી માતા મંદિર નજીક મનસા દેવી હીલ્સના પર્વતનો એક મોટો ભાગ સોમવારે તૂટી પડ્યો, જેના કારણે ભારે ભૂસ્ખલન થયું હતું. આ કારણે દેહરાદૂન-હરિદ્વાર રૂટ પર ટ્રેન સેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી.
માહિતી અનુસાર કાલી મંદિર નજીક પર્વતનો એક મોટો ભાગ અચાનક તૂટી પડ્યો, જેના કારણે મોટી માત્રામાં માટી અને ખડકો ઝડપથી ધસી આવતા રેલવે ટ્રેક બંધ થઇ ગયો હતો.
જેના કારણે ભીમગોડા ટનલ નજીક રેલ્વે ટ્રેકને નુકસાન થયાની માહિતી સામે આવી છે. પહાડ પરથી ધસી આવેલા પથ્થરોને કારણે ટ્રેકને સુરક્ષિત રાખવા માટે સ્થાપિત લોખંડની જાળીને પણ ભારે નુકસાન થયું.
ભૂસ્ખલનને કારણે ટ્રેન અવરજવર તાત્કાલિક ધોરણે સ્થગિત કરાઈ હતી, જેના કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો. સ્થાનિક વહીવટી અધિકારીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી અને કોઈપણ વિલંબ કર્યા વિના કાટમાળ દૂર કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું.એક મહિના અગાઉ પણ અહીં આ રીતે ભૂસ્ખલનની ઘટના બની હતી.
૫ ઓગસ્ટના રોજ પર્વતનો એક મોટો ભાગ તૂટીને હર કી પૌરી-ભીમગોડા રોડ અને રેલ્વે ટ્રેક પર પડ્યો. તે ઘટનાના સીસીટીવી ફૂટેજમાં મોટરસાઇકલ પર પથ્થરો પડતાં દેખાયા હતા, જેમાં ત્રણ લોકો બચી ગયા હતા પરંતુ તેમને નાની ઇજાઓ થઈ હતી.SS1MS