જાપાનના વડાપ્રધાને ચૂંટણીમાં કારમી પછડાટ બાદ રાજીનામું આપી દીધું

ટોકિયો, જાપાનના વડાપ્રધાન શિગેરુ ઈશિબાએ રવિવારે રાજીનામું આપવાની જાહેરાત કરી છે. જુલાઈ મહિનામાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં તેમના પક્ષના ઐતિહાસિક પરાજય બાદ ઈશિબા સામે આંતરિક અસંતોષ વધી રહ્યો હતો.
ઓક્ટોબર મહિનામાં હોદ્દો સંભાળનારા ઈશિબાએ વડાપ્રધાન પદ ઉપરાંત લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના વડા પદનો ત્યાગ કર્યાે હતો. ૬૮ વર્ષીય ઈશિબાના રાજીનામા માટે પક્ષના જ વિરોધીઓ દબાણ વધારી રહ્યા હતા.
ઈશિબાની દલીલ હતી કે, યુએસ ટેરિફ તથા એશિયા-પેસિફિકમાં વધી રહેલા તણાવ જેવા આંતરરાષ્ટ્રીય પડકારોની વચ્ચે રાજીનામું આપી દેવાથી રાજકીય શૂન્યાવકાશ સર્જાશે. આખરે રવિવારે ન્યૂઝ કોન્ફરન્સમાં ઈશિબાએ રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, ઉનાળામાં યોજાયેલી ચૂંટણી દરમિયાન પક્ષના પરાજયની જવાબદારી લેવામાં થોડી મુદત મેળવવાનો તેનો ઈરાદો હતો. અમેરિકા સાથે ટેરિફ મુદ્દે વાટાઘાટોમાં નક્કર પ્રગતિ વધારે મહત્ત્વની હતી, કારણ કે તે રાષ્ટ્રહિતનો મુદ્દો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે જાપાનની કાર તથા અન્ય ઉત્પાદનો પરની ટેરિફ ૨૫ ટકાથી ઘટાડી ૧૫ ટકા જાહેર કરી છે.
ટેરિફ મામલે વાટાઘાટોમાં આ સફળતા મળતાની સાથે જ અનુગામી વડાપ્રધાન માટે માર્ગ મોકળો કરવાનું નક્કી કર્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે, પક્ષમાં ભાગલા ના પડે તે હેતુથી ભારે હૈયે રાજીનામું આપી રહ્યા છે. પોતાના વિકલ્પની પસંદગી માટે પક્ષમાં ચૂંટણી યોજવા ઈશિબાએ કહ્યું હતું. આ ચૂંટણી ઓક્ટોબરમાં યોજાઈ શકે છે, ત્યાં સુધી ઈશિબા વડાપ્રધાન તરીકે કાર્યરત રહેશે.
જુલાઈ મહિનામાં યોજાયેલી અપર હાઉસની ચૂંટણીમાં બહુમતિ માટે ૨૪૮ બેઠક જરૂરી હતી, પરંતુ ઈશિબાના સત્તાધારી ગઠબંધનને તેમાં નિષ્ફળતા મળી હતી. ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં લોઅર હાઉસની ચૂંટણીમાં પણ તેઓ બહુમતિ મેળવી શક્યા ન હતા.
આ ચૂંટણીના બે અઠવાડિયા પહેલા જ ઈશિબાએ વડાપ્રધાન તરીકે હોદ્દો સંભાળ્યો હતો. આ બંને ચૂંટણીમાં ધબડકા માટે શાસક પક્ષના નેતાઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો જવાબદાર હતા.SS1MS