મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશમાં ગણેશ વિસર્જન વખતે ૯નાં ડૂબવાથી મોત

મુંબઈ/ભોપાલ, શનિવારે દેશભરમાં અનંત ચતુર્દશી પર્વે ભગવાન ગણેશનું ધામધૂમપૂર્વક વિસર્જન કરીને વિદાય આપવામાં આવી હતી. ગણેશ વિસર્જન દરમિયાન મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં દુંદાળા દેવની મૂર્તિને વિસર્જીત કરતી વખતે બનેલી દુર્ઘટનામાં નવ લોકોનાં ડૂબવાથી મોત થયા હોવાનું જણાયું છે.
મહારાષ્ટ્રમાં થાણે, પૂણે, નાંદેડ, નાશિક, જલગાંવ અને અમરાવતી જિલ્લામાં ગણેશ વિસર્જન વખતે ચાર લોકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા જ્યારે ૧૩ લોકો લાપતા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લાના ઘાટખેડા ગામે બે કિશોરોના વિસર્જન વખતે ડૂબવાથી મોત થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
મુંબઈમાં ગીરગાંવ ચોપાટી ખાતે વરસાદ વચ્ચે ભગવાન ગણેશના વિસર્જનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં કલાકોનો વિલંબ થયો હતો. દરિયામાં ઊંચા મોજાને પગલે મુંબઈના સુપ્રસિદ્ધ લાલબાગચા રાજાના વિસર્જનમાં અનેક અડચણો આવી હતી. સામાન્ય રીતે અરબ સમુદ્રમાં સવારના નવ કલાક સુધીમાં લાલબાગચા રાજાનું વિસર્જન કરી દેવામાં આવે છે.
પરંતુ શનિવારે લાલબાગચા રાજાની ભવ્ય સવારી નિકળ્યા બાદ ૨૮ કલાક પછી પણ વિસર્જન થઈ શક્યું નહતું. દરિયાની અંદર હાઈ ટાઈડ અને ભારે કરંટને પગલે અવરોધો આવ્યા હતા. બપોર સુધીમાં ભગવાન ગણેશની વિશાળ પ્રતિમાને મિકેનિકલ રાફ્ટ પર ગોઠવવામાં આવી હતી.
લાલબાગચા રાજાના દર્શન માટે લાખો ભક્તોની ભીડ જામતી હોય છે પરંતુ તેમના વિસર્જનમાં પણ હજારો સ્વયંસેવકો અને માછીમારો ભક્તિભાવથી જોડાતા હોય છે. પ્રાપ્ત વિગતો મુજબ મુંબઈના પાલઘર જિલ્લામાં ગણેશ વિસર્જન વખતે પાણીના પ્રવાહમાં ક્રીકમાં તણાઈ ગયેલા બે શખ્સોને મરિન અધિકારીઓ સતર્કતા દાખવીને રો-રો બોટની મદદથી બચાવી લીધા હતા.
મુંબઈના સાકિનાકા વિસ્તારમાં વિસર્જન વખતે ભગવાન ગણેશની પ્રતિમા વીજ વાયરના સંપર્કમાં આવતા ઈલેક્ટ્રિક કરંટથી એક વ્યક્તિનું મોત થયું હતું તથા પાંચ ઘાયલ થયા હતા.SS1MS