અમદાવાદમાં ACBની રેડમાં નિવૃત AMC કર્મચારી રંગે હાથે ઝડપાયા

પ્રતિકાત્મક
આ છટકુ વિરાટનગર વિસ્તારની અંબિકાનગર સોસાયટીના મકાન નં. એ/૫૨ ખાતે લાંચ લેતા ઝડપી લીધા હતા
અમદાવાદ શહેરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (એ.સી.બી.) દ્વારા આજે (૦૮ સપ્ટેમ્બર, ૨૦૨૫) લાંચછટકુ ગોઠવવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિવૃત કર્મચારી ગોવિંદભાઈ પરમાભાઈ ડાભી (રહે. આરોહી એલીજીયમ, સાઉથ બોપલ) રંગે હાથે ઝડપાયા છે.
આ અંગે પ્રાપ્ય માહિતી મુજબ, વિરાટનગર વોર્ડમાં પ્રોપર્ટી ટેક્ષની આકારણી સંબંધિત કામગીરી દરમિયાન આરોપીએ એક જાગૃત નાગરિક પાસેથી રૂ.૪૦૦૦/- લાંચની માગણી કરી હતી. એ.સી.બી. દ્વારા ડીકોય ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં આરોપીએ લાંચ સ્વીકારી લીધી હતી.
એ.સી.બી.ની ટીમે તરત જ છટકો મારી આરોપીને લાંચની સ્વીકારેલી રૂ.૪૦૦૦/- સાથે રંગે હાથે પકડી પાડ્યો. આ છટકુ વિરાટનગર વિસ્તારની અંબિકાનગર સોસાયટીના મકાન નં. એ/૫૨ ખાતે લાંચ લેતા ઝડપાયા હતા. આ કાર્યવાહી ટ્રેપિંગ અધિકારી પો.ઇન્સ. ડી.એન. પટેલ તથા એ.સી.બી. સ્ટાફની ટીમે હાથ ધરી હતી. આ સમગ્ર કામગીરી પર સુપરવિઝન અધિકારી મદદનિશ નિયામક કે.બી. ચુડાસમાની દેખરેખ રહી હતી.
એ.સી.બી.ને મળેલી રજુઆત અનુસાર, વિરાટનગર વિસ્તારના AMC કર્મચારીઓ રહેણાંક અને કોમર્શિયલ મકાનોની પ્રોપર્ટી ટેક્ષ આકારણી માટે ગેરકાયદેસર રીતે રૂ.૧૦૦૦/-થી રૂ.૧૦,૦૦૦/- સુધીની લાંચ માગતા હતા. આ અંગે તપાસ હાથ ધરીને એ.સી.બી.એ કાર્યવાહી કરી હતી.
આ કાર્યવાહીથી ફરી એકવાર સાબિત થયું છે કે AMCના કેટલાક કર્મચારીઓ નિવૃત્તિ બાદ પણ ગેરકાયદેસર ધંધા ચાલુ રાખતા હોય છે. એ.સી.બી.એ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે લાંચ લેતા કે આપતા કોઈને પણ છોડવામાં આવશે નહિ.