Western Times News

Gujarati News

વાહનચાલકો દંડ ભરપાઇ કરે તે માટે હવે કોર્ટમાં ટ્રાફિક ચલણ કેન્દ્ર શરૂ થશે

અમદાવાદ, ટ્રાફિકના નિયમો ન પાળતા લોકોને ઇ-ચલણ ફટકારવામાં આવે છે. ટ્રાફિક વિભાગ પાસે રહેલી સ્પીડ ગન, સીસીટીવી કેમેરા, વન નેશન વન ચલણ જેવા અનેક માધ્યમોથી પોલીસ દ્વારા ઇ-ચલણ આપવામાં આવે છે. જ્યારે કોઇ વ્યક્તિને ચલણ મળે તેના ૯૦ દિવસ બાદ તે વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થાય છે. સાથે જ લોક અદાલતમાં પણ તેનો નિકાલ કરવામાં આવે છે.

જોકે, પેન્ડિંગ ચલણની રિકવરી થાય તે માટે હવે કોર્ટમાં જ ટ્રાફિક ચલણ કેન્દ્ર શરૂ કરાશે. શહેર ટ્રાફિક પોલીસે છેલ્લા ત્રણ વર્ષમાં ૪૮.૬૨ લાખ કેસ કરીને કુલ રૂ. ૩૪૧ કરોડથી વધુનો દંડ ફટકાર્યાે છે. જોકે, તેની સામે માત્ર ૧૮ ટકા રિકવરી થઇ શકી છે.

એટલે કે ત્રણ વર્ષમાં ફટકારેલા ઇ-ચલણની ૬૧.૩૨ કરોડની વસૂલાત હજુ પણ બાકી છે. વાહનચાલકો જૂની કમિશનર કચેરી ખાતે અને સાથે સાથે વેબસાઇટ કે ક્યુઆર કોડ મારફતે દંડ ભરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જ્યારે બીજીબાજુ કેટલાક સમયાંતરે લોક અદાલતનું પણ આયોજન થતાં મોટાભાગની રકમ લોકો ભરપાઇ કરે છે.

ત્યારે હવે શહેરીજનો વધુમાં વધુ દંડની ભરપાઇ કરી શકે તે માટે હવે ઘીકાંટા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ટ્રાફિક ચલણ સેવા કેન્દ્ર શરૂ કરાશે. હાલ આ માટે વિવિધ પ્રકારની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો હોવાનું ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે.વર્ષ ૨૦૨૩માં ટ્રાફિક પોલીસે ૨.૧૪ લાખ કેસ કરીને ૧૪.૯૫ કરોડનો દંડ ફટકાર્યાે હતો. જેની સામે માત્ર ૪.૭૭ કરોડની વસૂલાત થઇ છે.

વર્ષ ૨૦૨૪માં પોલીસે ૨૦.૦૨ લાખ કેસ કરીને ૧૪૯ કરોડથી વધુનો દંડ ફટકાર્યાે હતો. જેની સામે માત્ર ૩૩.૭૧ કરોડની વસૂલાત થઇ છે. ૨૦૨૫માં ટ્રાફિક પોલીસે ૨૬.૪૫ લાખ કેસ કરીને ૧૭૭ કરોડથી વધુનો દંડ ફટકાર્યાે હતો પરંતુ માત્ર ૧૩ ટકા જ વસૂલાત થઇ છે. આમ, ત્રણ વર્ષમાં ૪૮.૬૨ લાખ ચલણના ૩૪૧ કરોડના દંડની સામે માત્ર ૮.૬૯ ચલણની ૬૧.૩૨ કરોડની જ વસૂલાત થઇ છે.

ઓનલાઇન, સ્થળ પર, વર્ચ્યુલ કોર્ટ કે લોક અદાલતની સાથે હવે નવા શરૂ થનારા કેન્દ્ર ખાતે કેટલીક સુવિધા ઊભી કરાશે. જેમાં મોબાઇલ નંબર કે આરસી બુક અપડેટ ન હોય તેવા તથા ૯૦ દિવસ પૂર્ણ ન થયા હોય તેવા અને ૨૦૨૩ અગાઉના ઇ-ચલણની ભરપાઇ કરી શકાશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.