Western Times News

Gujarati News

“તેરા તુજકો અર્પણ” અંતર્ગત અત્યાર સુધીમાં ૯૦૮૧ કાર્યક્રમો યોજી પોલીસે ૪૦,૮૧૧ લાભાર્થીઓને 500 કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ પરત કર્યો

ચોરાયેલી-ખોવાયેલી કે રિકવર/કબજે કરેલી ચિજવસ્તુઓ મૂળ માલિકોને વગર ધક્કે ખૂબ ઓછા સમયમાં પરત અપાવી દેતી પહેલ એટલે ‘તેરા તુજકો અર્પણ’:  ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી

Ø  આદિજાતિ વિસ્તારમાં સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જીલ્લાઓમાં તેરા તુજકો અર્પણ અંતર્ગત ૨૩૧૫ નાગરિકોને રૂ.૧૦૫ કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો

વિધાનસભા ગૃહમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વર્ષ ૨૦૨૨ થી શરૂ કરવામાં આવેલી આ પહેલનો મુખ્ય ઉદ્દેશ વિવિધ પોલીસ સ્ટેશન ખાતે ચોરી, લૂંટ કે છેતરપિંડી જેવા ગુનાઓમાં કબ્જે કરવામાં આવેલા મુદ્દામાલને પરત મેળવવા માટે રાજ્યના નિર્દોષ નાગરિકોને ધક્કા ન ખાવા પડે અને ખૂબ જ ટૂંકા સમયમાં તે મુદ્દામાલ તેમને પરત મળે તે માટે ઝડપી કાર્યવાહી કરવાનો છે.

તેરા તુજકો અર્પણ અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધી કુલ ૯૦૮૧ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં ૪૦,૮૧૧ લાભાર્થીઓને રૂ.૫૦૦ કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ પરત કરવામા આવ્યો છે. મંત્રી શ્રી સંઘવીએ ઉમેર્યું કે, આ કાર્યક્રમ અંતર્ગત છેલ્લા એક અઠવાડિયામાં ૧૧૨ કરોડનો મુદ્દામાલ નાગરિકોને પરત કરવામાં આવ્યો છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આ કાર્યક્રમ અંતર્ગત દરેક પોલીસ સ્ટેશન ખાતે કબજે થયેલા મુદ્દામાલ ખુબ જ ઓછા સમયમાં નામદાર કોર્ટમાંથી પરત સોંપવા અંગે હુકમ મેળવી તે મુદ્દામાલ લોક દરબાર/ જાહેર કાર્યક્રમ યોજી ફરીયાદી/અરજદારશ્રીઓને પરત આપવાની કામગીરી કરવામાં આવે છે તેથી આ કાર્યક્રમ ખૂબ લોકપ્રિય થયો છે અને લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે.

સુરત ખાતે થયેલી લૂંટ અને તેના ડિટેક્શન અંગે પૂછાયેલા પૂરક પ્રશ્નો પ્રત્યુત્તર આપતા મંત્રીશ્રીએ કહ્યું કે, સુરત શહેરમાં થયેલી ૭.૮૬ કરોડની હીરાની લુંટના બનાવમાં પોલીસે ગણતરીના કલાકોમાં એટલે કે માત્ર ૪૮ કલાકમાં ગુનો ડિરેકટ કરી તેનો મુદ્દામાલ પણ મૂળ માલિકોને માત્ર એક અઠવાડિયામાં પરત અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા મળી હતી.

આદિવાસી જિલ્લાઓમાં આ કાર્યક્રમ અંતર્ગત થયેલી કામગીરી અંગે પૂછાયેલા પ્રશ્નો જવાબ આપતા મંત્રી શ્રી સંઘવીએ કહ્યું કે, મોટા શહેરોથી લઇને નગરો અને આદિજાતિ વિસ્તારમાંના છેવાડાના ગામડા સુધી આવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જીલ્લાઓમાં તેરા તુજકો અર્પણ અંતર્ગત ૨૩૧૫ નાગરિકોને રૂ.૧૦૫ કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, છેવાડે આવેલા સોનગઢના એક વૃધ્ધાનું ઘર જે વ્યાજખોરે પચાવી પાડ્યું હતું તે પણ આ કાર્યક્રમ હેઠળ પરત અપાવવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.