Western Times News

Gujarati News

મહેસૂલી દસ્તાવેજોની નકલ નાગરિકોને સિંગલ ક્લિકથી ઓનલાઈન મળી શકશે

AI Image

૭/૧૨ના ઉતારા, નકશા, માપણી જેવા મહેસૂલ વિભાગ હસ્તકના  જમીન દફતર ખાતાના તેમજ મહેસૂલી કચેરીઓ હસ્તકના તમામ દસ્તાવેજોનું ડિજિટાઇઝેશન કરાયું

રાજ્ય કક્ષાના ડેટા સ્ટોરેજ સેન્ટરનું નિર્માણ ડિસે.2026માં પૂર્ણ થશે

Gandhinagar,   વિધાનસભાના ચોમાસું સત્રના પ્રથમ દિવસે ગાંધીનગર ખાતે નિર્માણ પામનાર રાજ્યકક્ષાના ડેટા સેન્ટર અંગે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું રાજ્યકક્ષાના આ ડેટા સેન્ટરના નિર્માણ બાદ નાગરિકોને સિંગલ ક્લિકથી પોતાના મહેસૂલી ડોક્યુમેન્ટની નકલ મળી જશે.

તેમણે જણાવ્યું કે ૭/૧૨ના ઉતારા, નકશા, માપણી જેવા મહેસૂલ વિભાગ હસ્તકના જમીન દફતર ખાતાના તેમજ મહેસૂલી કચેરીઓ હસ્તકના તમામ દસ્તાવેજોનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે.

વધુમાં, મંત્રીશ્રીએ કહ્યું કે ગાંધીનગરના સેકટર-૧૪માં રાજ્ય કક્ષાના ડેટા સ્ટોરેજ સેન્ટરમાં જાળવણી માટે કોમ્પેકટરની સુવિધાવાળા વિશાળ રેકર્ડ રૂમ, કોન્ફરન્સ હોલ/ટ્રેનિંગ રૂમ અને મ્યુઝિયમ સહિતનું કુલ-૭ માળનું ૨,૪૪,૭૨૫ ચોરસ ફૂટનું બાંધકામ કરાશે. આ બાંધકામ ડિસેમ્બર-૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

શ્રી વિશ્વકર્માએ જણાવ્યું કે વર્ષ-૧૮૮૮ વખતના અંગ્રેજ સરકાર દ્વારા થયેલા માપણી ટિપ્પણનું રેકર્ડ, સદરહુ ડેટા સ્ટોરેજ સેન્ટરમાં રાખવામાં આવશે. મહેસૂલ વિભાગની વિવિધ યોજના થકી જમીન રેકર્ડના કોમ્પ્યુટરાઇઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

માનવસર્જિત અથવા કુદરતી આફતોના કારણોસર જિલ્લાઓના રેકર્ડને નુકશાન પહોંચે કે રેકર્ડ નાશ પામે, તો તેની એક કોપી ડેટા સ્ટોરેજ સેન્ટર ખાતેથી મળી શકે, તે હેતુથી આ અદ્યતન ડેટા સેન્ટર બનાવવામાં આવ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.