Western Times News

Gujarati News

ઇંગ્લેન્ડની વન-ડે ઇતિહાસની સૌથી મોટી જીત, આફ્રિકાને ૩૪૨ રનથી હરાવ્યું

સાઉથમ્પટન, સાઉથમ્પ્ટનમાં રમાયેલી વન-ડે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચમાં યજમાન ઇંગ્લેન્ડે આફ્રિકાને ૩૪૨ રનથી હરાવીને વન-ડેમાં રનના માર્જિનથી ઇતિહાસની સૌથી મોટી જીત નોંધાવી હતી.

પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે જો રૂટ અને જેકબ બેથેલની સદીના આધારે નિર્ધારિત ૫૦ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૪૧૪ રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ૨૦.૫ ઓવરમાં માત્ર ૭૨ રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

જોળા આર્ચરે ચાર વિકેટ લઈને આફ્રિકાની કમર તોડી હતી. જો કે, આફ્રિકા સિરીઝ જીતવામાં સફળ રહ્યું હતું.ઇંગ્લેન્ડ અને આફ્રિકા વચ્ચે વચ્ચેની ટી૨૦ શ્રેણી ૧૦ સપ્ટેમ્બરથી કાર્ડિફમાં શરૂ થશે. શ્રેણીની બાકીની બે મેચ ૧૨ અને ૧૪ સપ્ટેમ્બરના રોજ રમાશે.ઇંગ્લેન્ડની શરૂઆત શાનદાર રહી હતી. જેમી સ્મિથ અને બેન ડકેટે મળીને પ્રથમ વિકેટ માટે ૫૭ રન ઉમેર્યા હતા.

ડકેટ ૩૩ બોલમાં ૩૧ રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે સ્મિથે ૪૮ બોલમાં ૬૨ રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ઇંગ્લેન્ડે ૧૧૭ રન પર બે વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી જો રૂટ અને જેકબ બેથેલે મળીને ૧૮૨ રનની ભાગીદારી કરી હતી. રૂટે ૯૬ બોલમાં ૧૦૦ રન જ્યારે બેથેલે ૮૨ બોલમાં ૧૧૦ રન ફટકાર્યા હતા.

૩૦૨ રન પર ચાર વિકેટ ગુમાવ્યા પછી પણ રનનો પ્રવાહ અટક્યો નહીં. જોસ બટલરે ૩૨ બોલમાં ૧૯૩ના સ્ટ્રાઇક રેટથી અણનમ ૬૨ રન બનાવ્યા હતા. જેના આધારે ઇંગ્લેન્ડનો સ્કોર પાંચ વિકેટના નુકસાન પર ૪૧૪ રન પર પહોંચ્યો હતો.

લક્ષ્યનો પીછો કરતી દક્ષિણ આફ્રિકા ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ચાર આફ્રિકન બેટ્‌સમેન ફક્ત સાત રન પર પેવેલિયન પરત ફર્યા હતા. વિકેટ પડવાનો સિલસિલો આગળ પણ યથાવત રહ્યો હતો.

જોળા આર્ચરના તોફાન સામે આફ્રિકાનો એક પણ બેટ્‌સમેન ટકી શક્યો નહીં. સ્કોર ૪૯ સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં દક્ષિણ આફ્રિકાના સાત બેટ્‌સમેન પેવેલિયન પરત ફર્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.