15 વર્ષમાં રૂ. 57 હજાર કરોડની જોગવાઇ કરાઇ ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અંતર્ગત: ઋષિકેશ પટેલ

File
જુનાગઢ મહાનગરપાલિકામાં પાણી પુરવઠા યોજનાના કુલ ૦૩ પ્રોજેક્ટ માટે કુલ રૂ. ૭૦.૮૯ કરોડની ફાળવણી
Gandhinagar, ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અંતર્ગત થયેલ વિકાસ કાર્યોના વિધાનસભામા પૂછાયેલ પ્રશ્નના ઉત્તરમાં મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે,
આ યોજના અંતર્ગત રાજ્યમાં પ્રથમ તબક્કા(વર્ષ ૨૦૦૯થી ૨૦૧૨) માટે રૂ. ૭ હજાર કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. તેવી જ રીતે બીજા તબક્કા(વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૭) માટે રૂ. ૧૫ હજાર કરોડ અને વર્ષ ૨૦૧૭-૧૮ થી વર્ષ ૨૦૨૩-૨૪ સુધી કુલ રૂ. ૩૫,૭૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. આમ, રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૦૯ થી ૨૦૨૪ સુધીમાં રૂ. ૫૭,૭૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં વર્ષ ૨૦૦૯માં ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અમલમાં મુકવામાં આવી હતી. વડાપ્રધાનશ્રીએ સમગ્ર દેશમાં ૧ લાખથી વધુ વસ્તીવાળા ૫૦૦ શહેરો પસંદ કરી જૂન-૨૦૧૫માં અમૃત મિશન શરૂ કર્યું હતું, જેમાં ગુજરાતના ૩૧ શહેરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
જુનાગઢ મહાનગરપાલિકા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, આ યોજના અંતર્ગત જુનાગઢ મહાનગરપાલિકામાં પાણી પુરવઠા યોજનાના કુલ ૦૩ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે, જે પૈકી ૦૧ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે, તેમજ ૦૨ પ્રોજેક્ટમાં કામગીરી પ્રગતિમાં છે, જે વર્ષ ૨૦૨૬માં પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરી પાછળ કુલ રૂ. ૭૦.૮૯ કરોડનો ખર્ચ કરવામાં આવશે.
તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, આ યોજના અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકાના ઝોન-૯ અને ૧૦માં પાણી પુરવઠા યોજનાના રૂ. ૨૨.૧૭ કરોડના કામોમાંથી રૂ. ૨૧.૦૯ કરોડના કામ પૂર્ણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઝોન-૩માં પાણી પુરવઠા યોજનાના રૂ. ૨૧.૭૨ કરોડના તેમજ ઝોન-૭માં રૂ. ૧૩.૨૭ કરોડના કામ પૂર્ણ કરવામાં આવ્યા છે.
વલસાડ નગરપાલિકા – અમૃત ૨.૦ મિશન અંતર્ગત વલસાડ નગરપાલિકાની કામગીરી વિશે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં આ મિશન અંતર્ગત વલસાડ નગરપાલિકામાં કુલ ૦૯ કામ હાથ ધરવામાં આવ્યા છે. જે પૈકી કુલ ૦૩ કામ પૂર્ણ કરવામાં આવ્યા છે. તેમજ બાકી રહેલા કુલ ૦૬ કામો વર્ષ ૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં આગામી ૨૦ થી ૨૫ વર્ષના આગોતરા આયોજન થકી પાણી પુરવઠા યોજના અંતર્ગત રાજ્યના દરેક શહેરીજનોને પોતાના ઘર સુધી પીવાનું શુધ્ધ પાણી પાઈપ લાઈન મારફત પુરૂ પાડવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.